મુંબઈ કરોડોનું કૌભાંડ! Javed Jafriની પત્ની સાથે ₹16.24 કરોડની ઠગાઈ, BMC અધિકારી સસ્પેન્ડ

Spread the love
મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદરામાં એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોલીવૂડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે 16.24 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કે-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પાટીલની સસ્પેન્શન ઓર્ડર 5 જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો અને 7 જૂન, રવિવારના રોજ તેમને બજાવવામાં આવ્યો છે.

 

આ મામલે હબીબા જાફરીની ફરિયાદના આધારે ખાર પોલીસ સ્ટેશનમાં મહેશ પાટીલ સહિત 5 અન્ય લોકો સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા બિઝનેસમેન નિશિત પટેલની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેને 19 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

 

સરકારી ઓફિસમાં જ છેતરપિંડીની જાળ બિછાવી

 

હબીબા જાફરીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, તેઓ સૌપ્રથમવાર મહેશ પાટીલને બીએમસીની ઓફિસમાં જ મળ્યા હતા. ત્યાં આ સરકારી અધિકારીએ તેમને બાંદરાના એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી અને તેને કમાણીની એક શાનદાર તક ગણાવીને રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. પાટીલે હબીબાને સલાહ આપી હતી કે આ પ્રોજેક્ટમાં તમામ રોકાણ બિઝનેસમેન નિશિત પટેલ દ્વારા કરવામાં આવે.

 

નકલી સરકારી દસ્તાવેજો અને મોંઘી ઘડિયાળોથી ખેલ ખેલાયો

 

ફરિયાદ અનુસાર, રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ સરકારી રજીસ્ટ્રેશનના નકલી અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી કાગળોને અસલી તરીકે બતાવીને હબીબા જાફરી, જાવેદ જાફરી અને તેમના સંબંધી નાવેદ જાફરી સહિતના અન્ય લોકોને પ્રોજેક્ટમાં નાણાં રોકવા માટે રાજી કરવામાં આવ્યા હતા.

 

આરોપીઓએ તમામ રોકાણકારો પાસેથી ચેક, રોકડા રૂપિયા, વિદેશી કરન્સી અને અત્યંત મોંઘી લક્ઝરી ઘડિયાળોના સ્વરૂપમાં કુલ 6.24 કરોડ પડાવી લીધા હતા અને ત્યારબાદ છેતરપિંડી આચરી હતી.

 

અગાઉ પણ અધિકારી સામે થઈ હતી કાર્યવાહી

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ બાંદરા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં “ખોટી રીતે રોકાણ” કરવાના આરોપોને કારણે ગત વર્ષે નવેમ્બરમાં મહેશ પાટીલને એક મહિના માટે ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમણે પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તાજેતરમાં જ્યારે હબીબા જાફરીને આ આખી છેતરપિંડીની જાણ થઈ, ત્યારે તેમણે ખાર પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમાં આસિસ્ટન્ટ કમિશનર મહેશ પાટીલના સસ્પેન્શન અને નિશિત પટેલની ધરપકડ બાદ મુંબઈ પોલીસ આ કરોડો રૂપિયાના કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *