
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ અને સરકારી કચેરીઓને તાત્કાલિક અસરથી આ સૂચનાનું પાલન કરવા આદેશ કરાયો છે. જ્યાં આવા કર્મચારીઓ પાસે હિસાબી અથવા નાણાકીય કામકાજ હોય ત્યાંથી તે કામગીરી પરત લેવા સૂચના અપાઈ.
પરિપત્રમા જણાવ્યા અનુસાર, આ કામગીરી હવે નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. ખાસ સંજોગોમાં નિયમિત કર્મચારી ઉપલબ્ધ ન હોય તો ખાતાના વડાની પૂર્વ મંજૂરી બાદ જ કરાર આધારિત કર્મચારીઓને કામગીરી આપી શકાશે. નિયમોના ઉલ્લંઘનથી કોઈ નાણાકીય કે વહીવટી વિવાદ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કચેરી અથવા સંસ્થાના વડાની રહેશે.
સરકારી પરિપત્રમાં જણાવાયું કે…
રાજ્ય સરકારની નીતિ મુજબ વિભાગની જુદી-જુદી સરકારી કચેરીઓ આરોગ્ય વિષયક સંસ્થાઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યા પર આઉટસોર્સિંગથી કે ૧૧ માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવતી હોય છે. કેટલીક કચેરીઓ/ આરોગ્ય વિષયક સંસ્થાઓમાં આઉટસોર્સિંગથી કે ૧૧ માસના કરાર આધારે ફરજો બજાવતાં કર્મચારીઓને જે તે કચેરી કે સંસ્થાની નાણાકીય કે હિસાબી કામગીરી સોંપવામાં આવતી હોય છે, જે ખરેખર એક ગંભીર બાબત છે. કારણ કે, આ પ્રકારની કામગીરી ઉપરોકત કર્મચારીઓને સોંપવાને લીધે આર્થિક અને વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થવાની સંભાવના રહેલ છે, જે બિલકુલ સરકારના વહીવટી હિતમાં નથી.
તમામ ખાતાના વડાઓ તથા તમામ આરોગ્ય વિષયક સંસ્થાઓને સૂચના
આથી, ઉપર્યુકત પરિસ્થિતિના નિવારણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સરકારી કચેરીઓમાં કે આરોગ્ય વિષયક સંસ્થાઓમાં (રોગી કલ્યાણ સમિતિઓ સહિત), કચેરી કે સંસ્થાની નાણાકીય કે હિસાબી કામગીરી આઉટસોર્સિંગથી કે ૧૧ માસના કરાર આધારે ફરજો બજાવતાં કર્મચારીઓને નહિં સોંપવા તથા જો આવા કર્મચારીઓને આવી કામગીરી સોંપેલ હોય તો તે તાત્કાલિક અસરથી તેઓ પાસેથી પરત લઇને આવી કામગીરી નિયમિત નિમણુંકથી ફરજો બજાવતા કર્મચારીઓને સોંપવા અંગેની નિયમોનુસારની જરૂરી કાર્યવાહી કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તમામ ખાતાના વડાઓ તથા તમામ આરોગ્ય વિષયક સંસ્થાઓને આથી જણાવવામાં આવે છે.
ખાતાના વડાની મંજુરી મેળવીને આવી કામગીરી સોંપવાની રહેશે
કચેરી કે સંસ્થાના વડા ધ્વારા આઉટસોર્સ કર્મચારીઓ કે ૧૧ માસના કરાર આધારે ફરજો બજાવતાં કર્મચારીઓને હિસાબી/નાણાકીય કામગીરી સોંપવામાં આવશે અને જો કોઇ વહીવટી કે નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થશે તો આ અંગેની સઘળી જવાબદારી સંબંધિત કચેરી કે સંસ્થાના વડાની રહેશે. વધુમાં, એ સ્પષ્ટતા કરવામા આવે છે કે, જે સરકારી કચેરી કે આરોગ્ય સંસ્થામાં નિયમિત નિમણુંકથી ફરજો બજાવતા કર્મચારીઓ ઉપલબ્ધ ન હોય તેવા ખાસ સંજોગોમાં સબંધિત કચેરી કે આરોગ્ય સંસ્થાના વડાએ આઉટસોર્સિંગથી કે ૧૧ માસના કરાર આધારે ફરજો બજાવતાં કર્મચારીઓને આવી કામગીરી સોંપતા પહેલા તેમના ખાતાના વડાની મંજુરી મેળવીને આવી કામગીરી સોંપવાની રહેશે અને સદરહુ કચેરી કે આરોગ્ય સંસ્થામાં નિયમિત નિમણુંક ધરાવતા કર્મચારીઓ બનતી ત્વરાએ ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા સબંધિતોએ ગોઠવવાની રહેશે.