
જવાબ આપવાની જગ્યાએ અધિકારી રજા લઈને ગાયબ થઈ ગયા. ત્યારે હવે કયા ભૂતે આ ડિમોલિશન કર્યું, તે ચર્ચાઈ રહ્યું છે. છેક ગાંધીનગર સુધી આ ઘટનાના પડઘા પડ્યા છે.
નાસિરનગરમાં ડિમોલિશનનો મામલો
બિલ્ડરના ઈશારે ડિમોલિશન કરાયું હોવાનો આરોપ ઉઠ્યો છે. જે બિલ્ડર પર આરોપ, તેની બિલ્ડિંગને હજી સુધી મંજૂરી નથી મળી. બિલ્ડરને રસ્તો અપાવવાના નામે ઘરો તોડ્યા હોવાનો આરોપ ઉઠ્યો છે. તંત્રએ હવે બિલ્ડરને બાંધકામ અંગે નોટિસ ફટકારી છે. મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કર્યાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. બેઝમેન્ટ સુધી બાંધકામ થઇ ગયા હોવા છતાં તંત્ર ચૂપ કેમ રહ્યું? વિવાદિત જગ્યાએ પાસે મંજૂરી વગર જ ટાવર ઉભા કરવા કામગીરી કરાઈ છે. તંત્રની મંજૂરી વગર 12 ટાવર માટેનું બાંધકામ કરવાનું હતું.
અધિકારીઓની ભેદી ભૂમિકાએ સવાલ ઉભા કર્યા
એક તરફ મહાનગર પાલિકા દ્વારા સમગ્ર કામગીરીમાં પોતાની કોઈપણ પ્રકારની ભૂમિકા ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ એક પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોમાં અધિકારીઓની ધરાર ભેદી ભૂમિકા નજરે પડી રહી છે. ભારે વિવાદ વચ્ચે હવે ગાંધીનગરમાં પણ આ ઘટનાનાં ઘેરા પ્રત્યાયાત જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં આ વિવાદ માટે જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે તપાસનાં નામે આખે આખા પ્રકરણને અભરાઈ પર ચઢાવી દેવામાં આવશે તે અંગેની ચર્ચાએ જોર પકડયું છે. અલબત્ત, સમગ્ર વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આગામી દિવસોમાં હાઈકોર્ટનાં વલણ પર પણ મનપા અધિકારીઓની મીટ મંડાઈ છે.
50 વર્ષથી રહેતા 100 પરિવારજનો મકાન વગરના થઈ ગયા
૧૦ દિવસ પહેલાં વેડ દરવાજા પાસે આવેલ નાસીર નગર ઝુંપડપટ્ટીમાં વહેલી સવારથી જ પોલીસ ઉચ્ચાધિકારીઓ અને મહાનગર પાલિકાની ટીમની હાજરીમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ૫૦ વર્ષથી વસવાટ કરતાં પરિવારોને ગણતરીનાં સમયમાં જ રંજાળવાની આ ઘટનાને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો. 100થી વધુ મકાનોને જમીનદોસ્ત કર્યા બાદ અને ખાનગી ભિલ્ડરનાં લાભ માટે મનપા દ્વારા ડિમોલીશનનાં આક્ષેપો ઉઠવા પામ્યા હતા. સંકલન સમિતિની બેઠકમાં પણ સ્થાનિક ધારાસભ્યો દ્વારા આ પ્રકરણ અંગે ખુલાસો પુછવામાં આવ્યો હતો. જેને પગલે પાલિકાનાં અધિકારીઓની હાલત કફોડી થવા પામી હતી. બીજી તરફ વિવાદ વકરતાં અધિકારીઓએ પોતાની ભૂમિકા અંગેનો છેદ ઉડાવી દીધો હતો અને મનપા દ્વારા ડિમોલીશન ન કરવામાં આવ્યું હોવાના ઉડાઉ જવાબે વિવાદમાં ધીનું કામ કર્યું હતું.
રાતોરાત નિરાશ્રિત થયેલા પરિવારોની વેદનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. હવે આ ઘટનામાં જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે વધુ એક વખત તપાસનાં નામે સમગ્ર પ્રકરણનું પીંડલું વાળી દેવામાં આવશે તે અંગે પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.
ડિમોલિશનની કામગીરી સમયે હાજર અધિકારીનો વીડિયો વાયરલ
નાસીર નગર ડિમોલીશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનેર આજે સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા છે. માથા પર રૂમાલ બાંધીને ડિમોલીશન પ્રક્રિયા દરમિયાન ઘટના સ્થળે હાજર રહેલા જીવનરામજીવાલા દ્વારા વિવાદ વકરતાં પોતાની જાડી ચામડી બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલીશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાયરલ થતાં તેઓની હાલત દયનીય થવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસથી ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન સેન્ટ્રલ ઝોન અને મહાનગર પાલિકાનો હરસંભવ બચાવ કરવા છતાં બિલ્ડરનાં કથિત લાભ માટે જ આખો કારચો રચાયો હોવાની આશંકાએ જોર પકડયું છે અને ગાંધીનગર સુધી આ ઘટનાનાં પડયા પડ્યા છે. જો કે, સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનેર જીવનરામજીવાલા આજે સવારથી અચાનક રજા પર ઉતરી ગયા છે અને તેને પગલે તેમની ભૂમિકા અંગેની આશંકાઓ વધુ પ્રબળ બની રહી હોય તેમ ચર્ચાએ જોર પકડ્યું છે
૮૪ મકાનોનું સંપૂર્ણ અને ૩૦ જેટલા મકાનોનું ૫૦ ટકા ડિમોલીશન કરાયું
પોલીસ ઉચ્ચાધિકારીઓની હાજરીમાં નાસીર નગર ઝુંપડપટ્ટી ડિમોલીશન વિવાદમાં વધુ એક ફણગો ફુટ્યો છે. વિવાહિત ડિમોલીશન પ્રક્રિયા દરમિયાન જે ૮૪ મકાનોનું સંપૂર્ણ અને ૩૦ જેટલા મકાનોનું ૫૦ ટકા ડિમોલીશન કરી દેવામાં આવ્યું છે. આ મકાનો લાઈનદોરીમાં સમાવિષ્ટ ન હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. બિલ્ડરનાં કથિત મેળાપીપણામાં મનપાનાં અધિકારીઓએ ડિમોલીશન પ્રક્રિયામાં ઉતાવળમાં કાચું કાપ્યું છે કે પછી જાણી જોઈને આ ડિમોલીશન કરવામાં આવ્યું છે તે અંગે રહસ્ય હજીપણ અકબંધ છે. બીજી તરફ આગામી દિવસોમાં વિવાદ પર પૂર્ણ વિરામ મુકાયા બાદ નવેસરથી લાઈન દોરીમાં આવતાં ઝુંપડાઓનાં ડિમોલિશનની પ્રક્રિયા સેન્ટ્રલ ઝોન દ્વારા જ નીતિ -નિયમો મુજબ હાથ ધરવામાં આવે તેવી આશંકાઓને પગલે રહેવાસીઓમાં રીતસરનો કફડાટ જોવા મળી રહ્યો છે.