ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી નરેશ પટેલને મળવા દોડી ગયાં: રાજકારણ ગરમાયું

Spread the love
બંને એકબીજાના ગળે મળ્યા: માત્ર સામાજિક મુલાકાત હોવાનું નરેશભાઈ પટેલનું નિવેદન, કોઈ રાજકીય હેતુ ન હોતો

ગુજરાતના રાજકારણમાં આજે ફરી એકવખત ગરમાવો આવી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સાંઢીયા પૂલના લોકાર્પણ માટે શહેરના મોંઘેરા મહેમાન બનેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સત્તાવાર કાર્યક્રમમાં સમાવેશ ન હોવા છતાં ખોડલધામના ચેરમેન અને કદાવર પાટીદાર નેતા નરેશભાઈ પટેલને મળવા માટે તેઓના નિવાસ્થાને દોડી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.જોકે ખુદ નરેશભાઈએ આ મુલાકાતને કોઈ રાજકીય નહીં પણ સામાજિક મુલાકાત ગણાવી હતી.

બંન્ને વચ્ચે 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

 

આજે સવારે શહેરના જામનગર રોડ પર સાંઢીયા પૂલનું લોકાર્પણ કર્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અચાનક ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને કદાવર પાટીદાર નેતા નરેશભાઈ પટેલના નિવાસ્થાને તેઓને મળવા માટે પહોંચી જતા રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો હતો બંને નેતાઓ એકબીજાના ગળે મળ્યા હતા. નરેશભાઈ પોતાના નિવાસસ્થાને હર્ષભાઈ સંઘવીને ઉમળકાભેર આવકાર્યા હતા.આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહિતના ભાજપના કેટલાક અગ્રણીઓ પણ જોડાયા હતા. હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી જો કે બંધ બારણે કોઈ ચર્ચા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા નથી.આ મુલાકાત બાદ ખુદ નરેશભાઈ પટેલ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે મારી અને હર્ષભાઈ સંઘવીની મુલાકાત માત્ર એક સામાજિક અને શુભેચ્છા મુલાકાત જ હતી તેમાં કોઈપણ રાજકીય હેતુ ન હતો.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાતથી વિશેષ કશું જ ન હતું જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું નરેશભાઈ રાજકારણમાં આવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે સારા માણસો રાજકારણમાં આવે તે ખરેખર ફાયદાકારક અને આવકાર લાયક હોય છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નરેશભાઈ પટેલે એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે હવે તેઓ નિવૃત થવા ઇચ્છી રહ્યાં છે. તેઓના આ નિવેદન બાદ એવી ચર્ચા થવા માંડી હતી કે, નરેશભાઈ સામાજિક ક્ષેત્રમાં પોતાની સક્રિયતા ઓછા કરી રાજકારણમાં આવવા માંગે છે પરંતુ આ તમામ શક્યતાઓ પર પણ પૂર્વ વિરામ મુકાય ગયું હતું એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નરેશભાઈ પોતાના પુત્ર શિવરાજ રાજનીતિમાં સક્રિય કરવા ઇચ્છી રહ્યા છે તેઓ ભાજપ સાથે જોડાય તે માટે અત્યારથી જ પક્ષ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

શિવરાજ” રાજકોટ દક્ષિણમાંથી ચૂંટણી લડશે??

 

કદાવર પાટીદાર નેતા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજને રાજકારણમાં સક્રિય કરવા ઇચ્છી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચેની બેઠકને ભલે માત્ર ઔપચારિક કે સામાજિક ગણાવવામાં આવતી હોય પણ અંદરની વાત કાંઈક અલગ જ છે.રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી 2027 ની ચૂંટણીમાં રમેશભાઈ ટીલાળાના સ્થાને શિવરાજ પટેલને લડાવવાનો તખ્તો અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહ્યો છે.અત્યારથી જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે.તબિયત અને ઉંમરના કારણે રમેશભાઈ હવે ચૂંટણી લડવા ઇચ્છુક ન હોવાની વાતો પણ ચાલી રહીં છે. આવામાં ભાજપના ગઢ સમી દક્ષિણ વિધાનસભા પરથી ચૂંટણી લડાવી શિવરાજને રાજનીતિના પ્રવેશ કરાવવાની ગણતરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *