સુરત: શહેર સાયબર ક્રાઇમ સેલે “ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0” અંતર્ગત ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. શેર માર્કેટ અને હાઈ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરતી ગેંગના વધુ એક સભ્યને ઝડપી પાડતા તપાસમાં મહત્વની કડીઓ સામે આવીઆરોપીઓએ ફરિયાદીના પુત્રને શેર માર્કેટમાં રોકાણ તેમજ “BRD Fund 100 – Day Wealth Leap Program” નામની સ્કીમમાં પૈસા મૂકવાથી 390 ટકા સુધીનો આકર્ષક નફો મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ “BRP Fund104 Grow Together” નામના વોટ્સએપ ગ્રુપ મારફતે વિશ્વાસમાં લઈ બનાવટી વેબસાઇટ brps.com પર લોગિન કરાવવામાં આવ્યો હતો.
છેતરપિંડીની જાણ થતાં જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો
વેબસાઇટ પર ખોટા નફાના આંકડા દર્શાવી ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યો અને વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 5.99 લાખ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે BNS-2023 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી .સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ હાથ ધરી લાંબા સમયથી ફરાર આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આ કેસમાં હાલ પંકજકુમાર રામજીભાઈ પાતાભાઈ રામાણી (ઉંમર 39)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો કે, અગાઉ ઝડપાયેલા આરોપી સત્યજીત માંજરીયાના નામે ચાલતા ICICI બેંકના કરંટ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.
2.72 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું
આ એકાઉન્ટ પંકજકુમાર રામાણીએ માત્ર રૂ. 5,000 કમિશનના બદલામાં પોતાના સાગરિતોને ઉપયોગ માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આ બેંક ખાતામાં કુલ રૂ. 2.72 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે.ખાતાનો ઉપયોગ દેશવ્યાપી સાયબર ઠગાઈના નેટવર્કમાં થતો હોવાની શંકા
ઉપરાંત, NCCRP પોર્ટલ પર આ જ ખાતા સામે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 37 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે આ ખાતાનો ઉપયોગ દેશવ્યાપી સાયબર ઠગાઈના નેટવર્કમાં થતો હોવાની શંકા વધુ મજબૂત બની છે. પોલીસે જણાવ્યું છે કે, આ કેસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, નાણાકીય વ્યવહારો અને સાયબર ફ્રોડના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.
લોભામણી લાલચમાં ન ફસાવા સુરત પોલીસની અપીલ
સાયબર ક્રાઇમ સેલની જનતાને અપીલ સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, શેર માર્કેટ અથવા અન્ય રોકાણમાં ટૂંકા સમયમાં 100%, 200% કે 390% જેવા અસામાન્ય નફાના દાવા કરતી સોશિયલ મીડિયા જાહેરાતો અને વોટ્સએપ ગ્રુપોથી સાવચેત રહેવું જોઈએ. કોઈપણ રોકાણ કરતા પહેલાં સંબંધિત કંપની, એપ્લિકેશન અથવા વેબસાઇટની સત્તાવારતા તેમજ તેની SEBI નોંધણીની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. લાલચભરી સ્કીમો અને બનાવટી રોકાણ પ્લેટફોર્મથી દૂર રહી જાગૃતતા જ સાયબર ઠગાઈ સામેનું સૌથી મોટું હથિયાર હોવાનું પોલીસે જણાવ્યું છે.