226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને ડાર્ક વેબ સાથે જોડાયેલા કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE)એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના શબ્બરહુસેન મોહમ્મદહનીફ પોડેલાની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ઇન્સ્ટાગ્રામ પર ગ્રાહકોને શોધતો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ‘UK_MEDICINEONWHEEL’ नामे खेड એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ મારફતે તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકોની શોધખોળ કરતો હતો અને ત્યારબાદ ડ્રગ્સની સપ્લાયની વ્યવસ્થા ગોઠવતો હતો.
કુરિયર સર્વિસ દ્વારા યુકેમાં ગ્રાહકો સુધી ડ્રગ્સ
પહોંચાડતો તેમણે જણાવ્યું કે, આરોપી પોતાના સહ આરોપી મોહસિન મોલાની મારફતે કુરિયર સર્વિસ દ્વારા યુકેમાં રહેતા સલમાન અંસારી સહિતના ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો. અમદાવાદથી યુકે સુધીનું આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું અને ડ્રગ્સના વેચાણમાંથી મળતી કમાણી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવામાં આવતી હતી. ત્યારબાદ આ ક્રિપ્ટોને રોકડમાં તબદીલ કરીને તેનો ઉપયોગ ગેરકાયદે નાણાકીય વ્યવહારો અને ટેરર ફંડિંગ માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.
અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરાઈ ડો. રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ એનાલિસિસ અને બ્લોકચેન ટ્રેકિંગની મદદથી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે શબ્બરહુસેન પોડેલાની ધરપકડ સાથે કુલ ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો છે. આ કેસમાં હજુ વધુ આંતરરાષ્ટ્રીય કડીઓ બહાર આવે તેવી શક્યતા છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
