: શું તમે ભારતના કોઈ એવા વિસ્તારની કલ્પના કરી શકો છો, જ્યાં પગ મૂકતાની સાથે જ ભારતની સરહદો બેઅસર થઈ જાય અને તમારા ખિસ્સામાં રહેલા ભારતીય રૂપિયા માત્ર કાગળના ટુકડા બનીને રહી જાય છે? આ ઉપરાંત તમારે તમારા જ દેશની જમીન પર જવા માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે? પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાની અંદર આવેલું દહાગ્રામ-અંગારપોટા એક એવો જ આશ્ચર્યજનક વિસ્તાર છે.ભૌગોલિક રીતે સંપૂર્ણપણે ભારતની અંદર છે, પરંતુ તેના પર કાયદો, ધ્વજ અને શાસન વ્યવસ્થા પાડોશી દેશ બાંગ્લાદેશની ચાલે છે. ચાલો ભારતના આ સૌથી અનોખા વિસ્તાર વિશે જાણીએ.
ભારતમાં વસેલો બીજો દેશ
દહાગ્રામ-અંગારપોટાની આખી ભૂગોળ કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાની સરહદોની અંદર આવેલ આ ગામ અંદાજે 18.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ચારેય બાજુથી ભારતીય જમીનથી ઘેરાયેલું હોવા છતાં, ટેકનિકલ અને કાનૂની રીતે આ બાંગ્લાદેશનો એક ભાગ છે. અહીં અંદાજે 20 હજારથી વધુ લોકો રહે છે, જેઓ જન્મથી બાંગ્લાદેશી નાગરિક છે. આ ગામના ઘરો પર બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાય છે અને અહીંના લોકો ભારતીય સંવિધાનના બદલે સંપૂર્ણપણે બાંગ્લાદેશી કાયદા અને નિયમોનું પાલન કરે છે.
ટકાનો રણકાર અને મોબાઈલ નેટવર્ક
આ અનોખા વિસ્તારની સૌથી મોટી ખાસિયત અહીંની અર્થવ્યવસ્થા અને રોજિંદી જિંદગી છે. ભારતની અંદર હોવા છતાં પણ આ ગામના બજારોમાં ભારતીય રૂપિયો ચાલતો નથી. અહીં રાશનથી લઈને દરેક નાની-મોટી વસ્તુ માટે બાંગ્લાદેશી ટકાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગામમાં ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક કામ કરતું નથી, પરંતુ લોકો વાતચીત કરવા માટે બાંગ્લાદેશી મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરે છે. અહીંની સરકારી શાળાઓ, હોસ્પિટલ અને વીજળી-પાણી જેવી તમામ મૂળભૂત સુવિધાઓ પણ બાંગ્લાદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.વર્ષ 1992 પહેલા આ ગામની પરિસ્થિતિ ખૂબ જ પીડાદાયક અને મુશ્કેલીઓથી ભરેલી હતી. બાંગ્લાદેશનો મુખ્ય ભૂભાગ અહીંથી માત્ર 178 મીટરના અંતરે હતો, પરંતુ વચ્ચે ભારતીય જમીન હોવાને કારણે અહીંના લોકો પોતાના જ દેશથી સંપૂર્ણપણે અલગ હતા. સારવાર અથવા અભ્યાસ માટે મુખ્ય બાંગ્લાદેશ જવા માટે તેમણે ભારતીય અધિકારીઓ સામે આજીજી કરવી પડતી હતી. આ સંકટને દૂર કરવા માટે બન્ને દેશો વચ્ચે એક ઐતિહાસિક કરાર થયો. તેના અંતર્ગત ભારતે બાંગ્લાદેશને ‘તીન બીઘા કોરિડોર’ નામનો જમીનનો એક ટુકડો વપરાશ માટે સોંપી દીધો.
24 કલાક ખુલ્લો રહે છે રસ્તો
આ તીન બીઘા કોરિડોર માત્ર 178 મીટર લાંબો અને 85 મીટર પહોળો એક રસ્તો છે, જે દહાગ્રામ-અંગારપોટાને સીધો બાંગ્લાદેશના મુખ્ય ભાગ સાથે જોડે છે. શરૂઆતમાં ભારત સરકારે સુરક્ષાના કારણોસર આ રસ્તાને માત્ર થોડા કલાકો માટે જ ખોલવાની મંજૂરી આપી હતી, જેનાથી ગ્રામજનોને ઘણી મુશ્કેલી પડતી હતી. પરંતુ ત્યારબાદ વર્ષ 2011માં બન્ને દેશોના સંબંધોમાં સુધારા પછી એક મોટો નિર્ણય લેવાયો અને આ કોરિડોરને વર્ષના 365 દિવસ અને 24 કલાક ખુલ્લો રાખવાની મંજૂરી આપી દેવામાં આવી, જેનાથી અહીંના લોકોની જિંદગી સરળ બની ગઈ.કડક સુરક્ષા વચ્ચે સામાન્ય ભારતીયોની એન્ટ્રી
દહાગ્રામ-અંગારપોટા ભલે ભારતના નકશાની અંદર દેખાતું હોય, પરંતુ આ કોઈ પર્યટન સ્થળ નથી જ્યાં તમે જ્યારે ઈચ્છો ત્યારે ફરી શકો. સુરક્ષાના કારણોસર આ સમગ્ર વિસ્તાર પર બીએસએફ (BSF) અને બાંગ્લાદેશી સુરક્ષા એજન્સીઓની આકરી નજર હોય છે. બાંગ્લાદેશી નાગરિકો માટે તો આ રસ્તો ખુલ્લો છે, પરંતુ કોઈ પણ સામાન્ય ભારતીય નાગરિક કે વિદેશી પ્રવાસીને આ ગામની અંદર જવાની મંજૂરી નથી. જો કોઈ ભારતીય ત્યાં જવા ઈચ્છે છે, તો તેણે જિલ્લા વહીવટીતંત્ર અને સુરક્ષા દળો પાસેથી ખાસ લેખિત પરવાનગી લેવી પડે છે.
