ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માત અને અસહ્ય ગરમીના કારણે શોટ સર્કિટના લીધે આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વધુ એક વખત શહેરના કુડાસણ અને પોર નજીક આગની ઘટના સામે આવી છે. અહીં પસાર થતી ગેસની મેઇન લાઈનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમો દ્વારા બે ગાડીઓ સાથે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે.
આ અંગે સાબરમતી ગેસ કંપનીના ઓપરેશનલ હેડ શાલીન પટેલે કહ્યું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઈનના કામ દરમિયાન ગેસ પાઇપમાં લીકેજ થતા આગ લાગી હતી. આ ખોદકામની જાણકારી કોર્પોરેશન દ્વારા સાબરમતી ગેસ કંપનીને કરવામાં આવી ન હતી. સાબરમતી ગેસના અધિકારીઓ એન્ડ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીને કારણે ભીષણ આગ પ્રાપ્ત વિગત અનુસાર, કુડાસણથી પોર તરફ જતા માર્ગ નજીક અચાનક ગેસ લાઈનમાં કોઈ અકળ કારણોસર બ્લાસ્ટ જેવો અવાજ સંભળાયો હતો અને જોતજોતામાં ત્યાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ગેસ લીકેજ અથવા કોઇ ટેકનિકલ ખામીના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભીષણ આગના કારણે આસપાસના ધંધાદારીઓ અને સ્થાનિક લોકો પોતાના જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. સદનસીબે આ ઘટના સમયે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ આગે તંત્રની પ્રી-મોન્સૂન અને ગેસ પાઇપ સેફ્ટી કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આ ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતાની સાથે જ ફાયર ફાઈટરની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. ફાયર અધિકારીઓ અને જવાનોએ સ્થળ પર પહોંચીને સૌપ્રથમ ગેસ કંપનીના સત્તાધીશોનો સંપર્ક સાધી પાઈપલાઈનનો મુખ્ય સપ્લાય બંધ કરાવવા જાણ કરી છે જેથી આગ વધુ ન પ્રસરે.
તંત્ર દ્વારા આવી લાઇનોનું કડક સેફ્ટી ઓડિટ કરાય હાલમાં ગેસ પુરવઠો બંધ કરાયા બાદ ફાયર ફાયટરોના કાફલાએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક ગેસ કંપનીના એન્જિનિયરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે આ દુર્ઘટના પાછળ કોઈ બેદરકારી હતી કે કેમ તેની ઉંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા આવી પાઇપ લાઇનોનું કડક સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
