China Tallest Dam : એન્જિનિયરિંગની કમાલ! ચીને કડકડતી ઠંડી અને પહાડો વચ્ચે બનાવ્યો વિશ્વનો સૌથી ઊંચો ડેમ

Spread the love

ચીને (China) ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના સિચુઆન (Sichuan) પ્રાંતમાં આવેલા શુઆંગજિયાંગકોઉ હાઇડ્રોપાવર સ્ટેશન (Shuangjiangkou Hydropower Station)ના પ્રથમ યુનિટને સફળતાપૂર્વક વીજળી ગ્રીડ (Power Grid) સાથે જોડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર વીજ ઉત્પાદન માટે જ નહીં, પરંતુ પૂર નિયંત્રણ (Flood Control) અને જળ સંચાલન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.શુઆંગજિયાંગકોઉ હાઇડ્રોપાવર સ્ટેશનનો ડેમ 315 મીટર ઊંચો છે, જેના કારણે તે હવે વિશ્વનો સૌથી ઊંચો ડેમ (World’s Tallest Dam) બની ગયો છે. આ વિશાળ ડેમના નિર્માણમાં 4.6 કરોડ ક્યુબિક મીટરથી વધુ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આટલી સામગ્રીથી પૃથ્વીની વિષુવવૃત્ત (Equator)ની આસપાસ લગભગ 1 મીટર ઊંચી દિવાલ બનાવી શકાય.

 

દર વર્ષે 7.7 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન

 

આ હાઇડ્રોપાવર સ્ટેશનની કુલ ક્ષમતા 20 લાખ કિલોવોટ (2 મિલિયન કિલોવોટ) છે. પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ દર વર્ષે સરેરાશ 7.7 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. તેનાથી સ્વચ્છ ઊર્જા (Clean Energy)ને પ્રોત્સાહન મળશે અને કોલસા (Coal) જેવા પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

 

કઠિન પરિસ્થિતિમાં પૂર્ણ થયો પ્રોજેક્ટ

 

આ પ્રોજેક્ટ પહાડી વિસ્તાર અને અત્યંત ઠંડા વાતાવરણમાં બનાવવામાં આવ્યો છે. નિર્માણ દરમિયાન ઇજનેરોને ઊંડી નદીઓ અને કડકડતી ઠંડી જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે હેલિઓસ્ટેટ આધારિત સરફેસ હીટિંગ (Heliostat-based Surface Heating) અને એર-સપોર્ટેડ મેમ્બ્રેન સિસ્ટમ (Air-supported Membrane System) જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

પૂર નિયંત્રણમાં પણ મળશે મોટી મદદ

 

આ હાઇડ્રોપાવર સ્ટેશન માત્ર વીજળી ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી. તે યાંગ્ત્ઝે નદી (Yangtze River)ના ઉપરવાસમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેના કારણે પૂરનું જોખમ ઘટશે અને પાણીના સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે. વિશ્વનો સૌથી ઊંચો ડેમ બનાવીને ચીને ફરી એકવાર સાબિત કર્યું છે કે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તે અગ્રેસર છે. આ પ્રોજેક્ટ ઊર્જા ઉત્પાદન, જળ સંચાલન અને પૂર નિયંત્રણ જેવા અનેક ક્ષેત્રોમાં લાંબા ગાળે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *