ગોંડલ:”99 માર્કથી સંતોષ નહીં, 100 માર્ક મેળવવા ફરી પરીક્ષા આપી’ – આ સૂત્રને સાકાર કરતાં ગોંડલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની વિશ્ર્વા મનસુખભાઈ ભાલોડિયાએ ધોરણ-10ની પૂરક પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી રાજ્યભરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય પરીક્ષામાં વિશ્વાએ 600માંથી 595 ગુણ મેળવી 99.17 ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુંજોકે સંસ્કૃત વિષયમાં મળેલા 99 ગુણથી તે સંપૂર્ણ સંતોષી નહોતી. પોતાની ક્ષમતા પર વિશ્ર્વાસ રાખીને તેણે સંસ્કૃત વિષયની ફરી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો.
પૂરક પરીક્ષાના પરિણામમાં વિશ્ર્વાએ સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ મેળવતાં કુલ 600માંથી 596 ગુણ સાથે 99.33 ટકા હાંસલ કર્યા અને રાજ્યમાં ફરી એકવાર પ્રથમ સ્થાનનો ગૌરવપૂર્ણ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો.
આ ઐતિહાસિક સિદ્ધિ બાદ વિશ્ર્વાએ પોતાના સપનાને નવી દિશા આપી છે. ગોંડલની ભાલોડિયા સ્કૂલના કોમર્સ પ્રવાહમાં પ્રવેશ મેળવી તે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું લક્ષ્ય ધરાવે છે.
