2022માં દેવાળિયો બનનાર આ દેશ હવે પ્રતિ વ્યક્તિ આવકમાં ભારતથી આગળ, વર્લ્ડ બેંકનો મોટો ખુલાસો

Spread the love

Uper Middle class Economy: વર્ષ 2022માં ગંભીર આર્થિક સંકટ અને દેવાળિયાપણાની સ્થિતિનો સામનો કરનાર શ્રીલંકાએ હવે જોરદાર વાપસી કરી છે. વર્લ્ડ બેંકના તાજેતરના આવક વર્ગીકરણ મુજબ શ્રીલંકાએ ફરી એકવાર અપર-મિડલ ઇનકમ ઇકોનોમીનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. બીજી તરફ ભારત હજુ પણ લોઅર-મિડલ ઇનકમ ઇકોનોમી શ્રેણીમાં જ છે.

 

2022માં સંકટથી હચમચી ગયો હતો દેશકોવિડ-19 દરમિયાન પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈ જતાં શ્રીલંકાની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં સપડાઈ હતી. વિદેશી દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેતા દેશે પોતાને દેવાળિયા જાહેર કરવાની ફરજ પડી હતી. મોંઘવારી બેકાબૂ બની ગઈ હતી અને જનઆક્રોશ એટલો વધી ગયો હતો કે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન સુધી કબજો જમાવ્યો હતો.

 

હવે ફરી મળી અપર-મિડલ ઇનકમ ઈકોનોમીની ઓળખ

 

વર્લ્ડ બેંકે 1 જુલાઈ 2026થી અમલમાં આવેલા નવા આવક વર્ગીકરણમાં શ્રીલંકાને ફરી ‘અપર-મિડલ ઇનકમ ઇકોનોમી’ તરીકે સ્થાન આપ્યું છે. આ વર્ગીકરણ 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે.

 

આ વર્ષે કુલ 218 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શ્રીલંકા ઉપરાંત વિયેતનામ, ફિલિપાઇન્સ, જોર્ડન અને ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયાને પણ ‘લોઅર-મિડલ’માંથી ‘અપર-મિડલ’ ઇનકમ કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

 

શ્રીલંકાની વાપસી પાછળ શું કારણ?

 

વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ શ્રીલંકાએ 2025 દરમિયાન 5 ટકા વાસ્તવિક GDP વૃદ્ધિ નોંધાવી હતી. ઉપરાંત દેશની પ્રતિ વ્યક્તિ એટલસ ગ્રોસ નેશનલ ઇનકમ (GNI)માં 11.2 ટકા વધારો થયો છે.

 

સુધરેલી આર્થિક પ્રવૃત્તિઓ, ઘટતી મોંઘવારી અને વિનિમય દરમાં સ્થિરતા જેવા પરિબળોના કારણે શ્રીલંકાની પ્રતિ વ્યક્તિ આવક ‘અપર-મિડલ ઇનકમ’ માટે નક્કી કરાયેલી મર્યાદાથી ઉપર પહોંચી ગઈ છે.

 

ભારત હજુ કેમ પાછળ છે?

 

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હોવા છતાં હજુ પણ ‘લોઅર-મિડલ ઇનકમ ઇકોનોમી’માં છે. તેનું મુખ્ય કારણ એ છે કે વર્લ્ડ બેંક દેશનું વર્ગીકરણ કુલ GDPના આધારે નહીં પરંતુ પ્રતિ વ્યક્તિ GNIના આધારે કરે છે.

 

ભારતની કુલ અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, પરંતુ 140 કરોડથી વધુ વસ્તીમાં આવક વહેંચાતી હોવાથી પ્રતિ વ્યક્તિ આવકનું સરેરાશ હજુ ‘અપર-મિડલ ઇનકમ’ની મર્યાદા સુધી પહોંચ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *