ભારતમાં ચોમાસું હવે બરાબર જમાવટ કરી ચૂક્યું છે, પરંતુ આ વર્ષે મેઘરાજાનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયું છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદ માટે વલખાં મારી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના 1 જુલાઈથી 5 જુલાઈ, 2026 ના આંકડા મુજબ, દેશભરમાં સરેરાશ 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે (સામાન્ય 39.6 મીમીની સામે 53.3 મીમી), પરંતુ આ આંકડો વાસ્તવિકતા છુપાવે છે; કારણ કે વરસાદનું આ વિતરણ એકદમ અસમાન રિપોર્ટના પ્રાદેશિક આંકડાઓ પર નજર કરીએ તો મધ્ય ભારતમાં મેઘરાજાએ માઝા મૂકી છે. 1 થી 5 જુલાઈ દરમિયાન અહીં સામાન્ય 42.9 મીમીની સરખામણીમાં 94.9 મીમી વરસાદ ખાબક્યો છે, જે સીધો 121 ટકા વધુ વરસાદ દર્શાવે છે. મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો છે.
સૌથી ખરાબ હાલત મુંબઈ સહિત કોંકણ અને ગોવા પંથકની છે. અહીં સામાન્ય વરસાદ 184 મીમી હોવો જોઈએ, જેની સામે 469.2 મીમી વરસાદ નોંધાયો છે! એટલે કે સામાન્ય કરતા 155 ટકા વધુ વરસાદ. આ સતત અને અતિભારે વરસાદને કારણે આ વિસ્તારો પૂરનો સામનો કરી રહ્યા છે.બીજી તરફ, રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી-હરિયાણા-ચંદીગઢ પંથકમાં સામાન્ય 16.8 મીમી વરસાદની સામે માત્ર 14 મીમી વરસાદ પડ્યો છે, જે 17 ટકાની સીધી ખાધ દર્શાવે છે. જોકે, સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો ત્યાં 11 ટકા વધુ (સામાન્ય 36.7 મીમી સામે 40.7 મીમી) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં પણ અત્યાર સુધી વરસાદ મહેરબાન રહ્યો છે અને ત્યાં સામાન્ય 30.1 મીમીની સામે 35.8 મીમી (19 ટકા વધુ) વરસાદ થયો છે.
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
બિહાર અને પૂર્વાંચલ: દેશની સૌથી મોટી ખાધ
ચોમાસાની આ વિચિત્ર પેટર્નમાં સૌથી વધુ નિરાશા પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને મળી છે. અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, સિક્કિમ, બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં વરસાદે જાણે મોઢું ફેરવી લીધું છે. આ રાજ્યોમાં 41.8 મીમી સરેરાશ વરસાદની સામે માત્ર 16.4 મીમી વરસાદ પડ્યો છે, જે 61 ટકાની અધધ ખાધ દર્શાવે છે. દેશભરમાં આ સૌથી મોટો દુષ્કાળ જેવો માહોલ છે.
ટૂંકમાં કહીએ તો, દેશના ચોપડે નોંધાયેલો 34 ટકા વધારાનો વરસાદ ખરેખર મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે પડેલા ભારે વરસાદનું પરિણામ છે, જ્યારે પૂર્વ ભારત હજુ પણ કોરું કટ છે. હવામાન વિભાગ આગામી દિવસોમાં આ અસમાન ચોમાસાની ચાલ પર સતત નજર રાખી રહ્યું છે.
