નકલી CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયા સાથે અબજો ડોલરની ડિફેન્સ ડીલ કરવા પહોંચ્યો ગૌરવ શ્રીવાસ્તવ, આ રીતે ખુલી પોલ

Spread the love

એક ભારતીય મૂળના બિઝનેસમેન ગૌરવ શ્રીવાસ્તવ પર ઇન્ડોનેશિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બનાવીને અબજો ડોલરની ડિફેન્સ ડીલ મેળવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તેમણે ઇન્ડોનેશિયાના બિઝનેસમેન અને ઉચ્ચ અધિકારીઓને પોતે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના એજન્ટ હોવાનું જણાવ્યું હતુ. આ માહિતી ‘ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (OCCRP) અને ઇન્ડોનેશિયન વેબસાઈટ ‘ટેમ્પો’ની સંયુક્ત તપાસમાં સામે આવી છે.તપાસ અનુસાર, ગૌરવ શ્રીવાસ્તવે ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે ત્યારે સારા સંબંધો બનાવ્યા હતા, જ્યારે તેઓ દેશના રક્ષા મંત્રી હતા. પ્રબોવોએ તેમને ‘મિસ્ટર જી’ (Mr G) નામ આપ્યું હતું. શરૂઆતી કરારોમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને મિલિટરી કમાન્ડ સિસ્ટમ ખરીદવાની યોજનાઓ સામેલ હતી.

 

CIA એજન્ટ ગણાવી બનાવ્યા સંબંધ

 

‘ટેમ્પો’ના રિપોર્ટ અનુસાર, ગૌરવ શ્રીવાસ્તવે ઇન્ડોનેશિયન અધિકારીઓ અને વેપારીને પોતે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)નો એજન્ટ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે સારા સંબંધો બનાવ્યા. ડચ ઓઈલ વેપારી નીલ્સ ટ્રોસ્ટે ‘ટેમ્પો’ને જણાવ્યું કે, 2022ના મધ્યમાં તેઓ ગૌરવ શ્રીવાસ્તવ સાથે પ્રબોવો સુબિયાન્તોના વેસ્ટ જાવાના હમ્બાલંગમાં આવેલા ગરુડ યક્ષા એસ્ટેટના નિવાસસ્થાને ગયા હતા. રસ્તામાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે, તેઓ વારંવાર પ્રબોવોના ઘરે જાય છે અને ત્યાં રોકાય છે. રસ્તામાં શ્રીવાસ્તવે કથિત રીતે કહ્યું હતું કે, તેમણે 2002ના બાલી બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર આરોપીઓની ઓળખ કરવામાં મદદ કરી હતી અને પ્રબોવોને અમેરિકન ઇમિગ્રેશનની લાંબા સમયથી ચાલતી બ્લેકલિસ્ટમાંથી બહાર કઢાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

નીલ્સ ટ્રોસ્ટે શું આરોપો લગાવ્યા?

 

નીલ્સ ટ્રોસ્ટે એવો પણ આરોપ લગાવ્યો કે, ઘરે પહોંચતા પહેલાં જ ગૌરવને પ્રબોવોની એવી વ્યક્તિગત આદતોની જાણકારી હતી, જે માત્ર તેમના ખૂબ નજીકના લોકો જ જાણતા હોય. ઉદાહરણ તરીકે, પ્રબોવો માનતા હતા કે ઘરમાં કરોયિયાના જાળા ન દૂર કરવા જોઈએ કારણ કે તે પ્રકૃતિનો ભાગ છે.

 

શ્રીવાસ્તવની કંપનીએ 5 કરારો કર્યા

 

OCCRP-ટેમ્પોની તપાસ અનુસાર, 2020થી 2022ની વચ્ચે શ્રીવાસ્તવની કંપનીઓએ ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રાલય અને સરકારી રક્ષા કંપની સાથે 5 શરૂઆતી કરારો કર્યા હતા. મંત્રાલયે 2020માં ખરીદી માટે ત્રણ ‘લેટર ઓફ ઇન્ટેન્શન’ (ઇરાદા પત્ર) જાહેર કર્યા હતા અને ત્યારબાદ 2021 અને 2022માં એક વધુ લેટર ઓફ ઇન્ટેન્શન અને એક ‘મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ (સમજૂતી કરાર) જાહેર કર્યા હતા. આ પ્રસ્તાવિત કરારોમાં 36 F-15 ફાઈટર જેટ, UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર, C-130 ટ્રાન્સપોર્ટ વિમાન અને ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રાલય માટે જોઈન્ટ ઓપરેશન્સ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો સમાવેશ થતો હતો.

 

રક્ષા મંત્રાલયનું નિવેદન

 

તપાસકર્તાઓ દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં શ્રીવાસ્તવ પ્રબોવો અને તેમની એક કંપનીના અધિકારીઓ સાથે સાઈનિંગ સેરેમનીમાં સામેલ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે. છતાં પણ, ઇન્ડોનેશિયાએ કોઈપણ પ્રસ્તાવિત ખરીદી આગળ વધારી નથી. ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા રિકો સિરૈતે પુષ્ટિ કરી કે શરૂઆતી કરારો (લેટર ઓફ ઇન્ટેન્શન અને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થયા હતા, પરંતુ તેઓ કાનૂની રીતે બંધનકર્તા નથી. તેમણે કહ્યું કે દેશની તમામ રક્ષા ખરીદીઓ અત્યંત સાવધાનીથી, સારા શાસન અને કાયદાનું પાલન કરીને કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *