દમણ નજીક દરિયાઈ સરહદ પરથી પસાર થઈ રહેલા અઝરબૈજાનના એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં સુરત એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ છે. પ્લેનમાંથી ઈમરજન્સીનો મેસેજ મળતાં જ સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
પ્લેનમાંથી ઈમરજન્સી સિગ્નલ છૂટ્યું
અઝરબૈજાનની આ ફ્લાઈટમાંથી અચાનક ‘ડિસ્ટ્રેસ સિગ્નલ’ (કટોકટીનો સંદેશો) છોડવામાં આવ્યો છે, જે સેટેલાઈટ સિસ્ટમ દ્વારા સુરત ATCને મળ્યો છે.ગંભીર મેસેજ મળતાની સાથે જ સુરત એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે ‘એરપોર્ટ ઇમરજન્સી પ્લાન’ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે CISFના જવાનો, ફાયર ફાઈટર્સ અને મેડિકલ ટીમોને રનવે પર એલર્ટ કરી દેવાઈ છે.
કોસ્ટગાર્ડ સાથે સતત સંપર્ક
જ્યારે આ ઈમરજન્સીનો મેસેજ મળ્યો ત્યારે વિમાનનું લોકેશન દમણ નજીક દરિયાની ઉપર હતું. આથી પ્લેનની ચોક્કસ સ્થિતિ અને તેની સુરક્ષા જાણવા માટે કોસ્ટગાર્ડ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) વચ્ચે સતત સંકલન સાધીને નજર રાખવામાં આવી રહી છે.
અન્ય વિમાની સેવાઓ સામાન્ય
એરપોર્ટ પર અઝરબૈજાનની ફ્લાઈટના કારણે ભારે તણાવ અને તકેદારીનો માહોલ હોવા છતાં, સુરત એરપોર્ટ પરથી ઓપરેટ થતી અન્ય તમામ ફ્લાઈટોની અવરજવર સંપૂર્ણપણે સામાન્ય છે અને મુસાફરો માટે સેવાઓ યથાવત રાખવામાં આવી છે.
