જમીનના રૂપીયાની લેતીદેતીમાં બે સગા ભાઈઓની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

Spread the love

રાજકોટમાં મોડી રાતે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ડબલ મર્ડર થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ હતી. સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે ઘસી ગયેલ વૈશાલીનગરનો હાર્દિક ધોળકિયા ક્રૂર બન્યો હતો અને અને નેફામાંથી છરી કાઢી તૂટી પડ્યો હતો.જેમાં રૈયાધારમાં રહેતાં 55 વર્ષીય સુરેશભાઈ ધોળકીયાનું ઘટનાસ્થળે અને તેના ભાઈ રાજેશભાઈનું સારવારમાં મોત થયું હતું જયારે પુત્ર જીવલેણ ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં.

 

બનાવની જાણ થતાં ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા હતાં અને, યુની. પોલીસે હત્યા સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

 

બનાવ અંગે રાજકોટમાં રૈયાધારમાં આવેલ બંસીધર પાર્ક શેરી નં.1 માં પાણીના ટાંકાની પાછળ રહેતાં લાખાભાઇ સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાર્દીક ધુળા ધોળકિયાનું નામ આપતાં યુની. પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

 

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પરિવારમા પિતા સુરેશભાઈ બાલાભાઈ ધોળકીયા (ઉ.વ.55) હતાં. તેમજ માતા લીલુબેન ધોળકીયા (ઉ.વ.52), પત્નિ ભુમીબેન બધા સાથે રહે છે. તે કુવાડવા રોડ ખાતે શિવ શક્તિ આટાની ચક્કી ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે.

 

આજે રાતે આશરે એકાદ વાગ્યે તે અને તેમના પિતા સુરેશભાઈ ઘરે હતા ત્યારે કાકા રાજેશભાઈ બાલાભાઈનો તેમના પિતાને ફોન આવેલ કે, મારો કૌટુંબીક સંબંધી હાર્દીક ધોળકીયા મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો તેમ પિતા સુરેશભાઈને રાજેશભાઇએ વાત કરેલનું જણાવેલ જેથી યુવક અને તેના પિતા સુરેશભાઇ કારમાં રાજેશભાઇના ઘરે જવા નીકળેલ હતાં.

 

ત્યારબાદ તરત જ કાકા રાજેશભાઇનાં સોમનાથ સોસાયટી-2 માં આવેલ ઘર પાસે પહોચેલ હતા ત્યારે ત્યા કાકા રાજેશભાઈ, હનુભાઇ નાજાભાઈ ધોળકીયા, શિવાભાઈ નથુભાઈ ડોંડા હાજર હતા અને હાર્દિક સામે ઉભો રહી ગાળો બોલતો હતો. જેથી હનુકાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયેલ અને તો આ હાર્દિક વધારે ઉશ્કેરાઈ ગાળો બોલતો હોય જેથી યુવકે અને કાકા રાજેશભાઇએ તેમના ઘર આગળથી પડેલ લોખંડના પાઇપ લઇ લિધેલ અને હાર્દિકને ગાળો ન બોલવા અને માથાકુટ ન કરવા સમજાવવા જતા હાર્દિકે કહેલ કે, અમારો ભાગ કેમ આપતા નથી તેમ કહી હાર્દિકે તેના પડખામાંથી છરી કાઢી યુવકના પિતા સુરેશભાઈના છાતીના ભાગે છરીનો એક જીવલેણ ઘા મારતા તેમના પિતા ત્યા જ પડી ગયેલ હતાં.

 

જેથી કાકા રાજેશભાઇ વચ્ચે પડતા કાકાને પણ છાતીના ભાગે પડખાના ભાગે, પેટથી નીચે જાંઘના ભાગે તથા હાથના તથા શરીરે અલગ અલગ ભાગે છરીથી જીવલેણ ઇજા કરેલ જેથી તેઓ પણ ત્યા પડી ગયેલ અને પિતા તથા કાકા રાજેશભાઈને વધુ મારમાથી છોડાવવા જતા હાર્દિકે યુવકને પણ તેના હાથમા રહેલ છરી વડે પીઠમાં, હાથમાં અને હથેળી પર છરીથી ઘા મારી ઇજા કરેલ હતી.

 

આ હાર્દિક ધોળકીયાને પણ ફરીયાદી પરીવાર સાથેની મારામારીમાં ઇજા થયેલ છે. યુવકના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇ શરીરે લોહીથી લથબથ થઇ નીચે પડેલ હોય જેથી તેમને કારમા નાખી તાત્કાલીક સારવાર માટે રૈયા રોડ આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લાવેલ ત્યા તબીબે મૃત જાહેર કરેલ હતાં. તેમજ યુવક અને તેના કાકા રાજેશભાઈ ધોળકિયાને જીવલેણ ઈજા થતાં સારવારમાં દાખલ કરેલ હતાં.

 

જે બનાવના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇ સાથે આ હાર્દિક ધોળકીયા સાથે કૌટુંબીક ભાગ બાબતનું મનદુખ હોય અને તે બાબતે પિતા અને કાકા રાજેશભાઈને આ હાર્દિક ફોનમાં ગાળાગાળી કરી મારી નાખવાના ઈરાદા સાથે કાકાના ઘર પાસે આવી ઝઘડો કરી ગુનાને અંજામ આપ્યો હતો.

 

જે બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. જે મામલે યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ ચિંતન દવે અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જયારે સારવારમાં ખસેડાયેલ ફરીયાદીના કાકા રાજેશભાઈએ પણ ટુંકી સારવારમાં દંમ તોડતા બનાવ ડબલ મર્ડરમાં ફેરવાયો હતો.

 

આરોપી હાર્દિક ધોળકિયાને પણ છરીના ઘા ઝીંકાયા : ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો

સામાપક્ષે મૃતક સહિતના ચાર શખ્સો સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ. તા.20

ગત મોડી રાતે સોમનાથ સોસાયટીમાં થયેલ લોહીયાળ અથડામણમાં પૈસા અને જમીનની માથાકૂટમાં પ્રૌઢને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક ધુળાભાઇ ધોળકિયા (ઉ.વ.27 રહે. વૈશાલીનગર શેરી નં-04 માધવવાટીકા મકાન આમ્રપાલી ચોકીની સામે) ને પણ સામે વાળા શખ્સોએ છરી તથા લોખંડના પાઇપ વડે માથામા અને શરીરના અલગ અલગ ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.

 

જે મામલે યુની. પોલીસે મૃતક સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા તેમજ લાખા સુરેશભાઇ ધોળકીયા, રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને શિવા નથુભાઇ ડોંડા સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

 

જે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જુની જમીનના પૈસા બાબતે જુની અદાવતનો ઝઘડો ચાલતો હોય જેનો ફરીયાદી ઉપર ખાર રાખી સમાન ઇરાદે ગુનાને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *