ત્રણ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રહેલ વૃધ્ધ દંપતી લાખો રૂપિયા ટ્રાન્સફર કરે તે પૂર્વ જ પોલીસ પહોંચી ગઈ

Spread the love

દંપતી એક્સીસ બેંક પહોંચ્યા અને તેમના હાવભાવ પરથી બેંક કર્મીઓએ પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઈમની ટીમ દોડી આવી અને દંપતીનું કાઉન્સેલિંગ કરી મોટું ફ્રોડ અટકાવ્યું

 

◘ એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

 

રાજકોટ. તા.24

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી છે.મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખ આપીને વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને પૈસા પડાવવાનો ખેલ રચ્યો હતો. જોકે, પોલીસે આ 75 વર્ષીય દંપતી આ સાયબર માફિયાને સોનુ કે પૈસા આપે તે પહેલા આ ફ્રોડમાંથી બચાવી લીધા હતા.

 

જે અંગે સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, હિંમતનગરના રહીશ 75 વર્ષીય રસિકભાઈ મોદી અને તેમનાં ધર્મપત્ની ગત રવિવાર, તા. 19 ના રોજ આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. રસિકભાઈ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપી હતી.

 

સાયબર ગઠિયાએ રસિકભાઈને ડરાવતા જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ‘નરેશ ગોયલ’ નામના વ્યક્તિ દ્વારા મોટા ફ્રોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનામાં તેમની સીધી સંડોવણી હોવાનો દાવો કરી, તેમની ધરપકડ કરવામાં આવશે તેવો ડર બતાવવામાં આવ્યો હતો.

 

ત્યારબાદ, બોગસ પોલીસ અધિકારીએ રસિકભાઈ અને તેમનાં પત્નીને ઓનલાઈન વીડિયો કોલ પર રહેવાની ફરજ પાડી ‘ડિજિટલ એરેસ્ટ’ કર્યા હતા. તેઓને આ કેસમાંથી બહાર નીકળવા માટે પૈસાની માંગણી કરતા તેઓ ડરી જવાથી પૈસા ચૂકવણી કરવા તૈયાર થયેલ હતા.

 

ત્યારબાદ આરોપીઓએ કેસમાંથી નામ હટાવવા માટે પૈસાની માંગણી કરી હતી. તેઓએ કથિત રીતે પીડિતોને 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને રૂપિયા 2 લાખની ફિક્સ ડિપોઝિટ તોડીને રકમ ભેગી કરવાની સૂચના આપી હતી.

 

આ સાયબર ફ્રોડનો પ્રયાસ ત્યારે નિષ્ફળ ગયો જ્યારે વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા એક્સિસ બેંકની શાખામાં પહોંચ્યું હતું. બેંકના એક જાગૃત કર્મચારીએ આ દંપતીને ગભરાયેલા જોયા અને શંકા ગઇ. આ બેંક કર્મચારીએ તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી.

 

ઘટનાની ગંભીરતા જોઈને સાયબર ક્રાઇમની ટીમ તુરંત બેંક પહોંચી હતી. તેમણે દંપતીનું કાઉન્સેલિંગ કર્યું, તેમને આશ્વાસન આપ્યું કે, તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને તેમને નાણાં તેમજ સોનું ગુમાવતા બચાવી લીધા. બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમ પોલીસની સમયસરની સક્રિયતાને કારણે મોટું નાણાકીય નુકસાન અટકાવી શકાયું હતું.

 

પોલીસે નાગરિકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, “ડિજિટલ અરેસ્ટ’ સ્કેમથી સતર્ક રહેવા ફરી એકવાર અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પોલીસ કે સરકારી એજન્સી વિડીયો કોલ દ્વારા તપાસ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.

 

સાયબર ફ્રોડ મામલે હર્ષ સંઘવીએ પોલીસ અને બેંક અધિકારીઓ સાથે યોજેલ બેઠકને પ્રથમ સફળતા

 

રાજકોટ. તા.24

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના બનાવમાં જોખમમાં હોય તેવા નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા પોલીસને નિર્દેશ આપ્યા છે. તેમણે તાજેતરમાં નાગરિકોને નાણાકીય ગુનાઓથી બચાવવા માટે વરિષ્ઠ પોલીસ અને બેંક અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.

 

જેથી યોગ્ય સંકલન સાધી શકાય અને આવા ફ્રોડ અટકાવવા માટેના પગલાં અમલમાં મૂકી શકાય. જે બેઠકના ફળ સ્વરૂપે હવે બેંક કર્મીઓ પણ એક્ટિવ થયાં છે અને મોટી રકમ વિડ્રો કરતાં વૃધ્ધ લોકો પાસેથી વિગતો મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *