ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા પરીક્ષા પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. સતત વધી રહેલા દબાણ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્ ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને દેશના યુવાનોની પ્રશંસા કરી છે.ગીતાંજલિ આંગમો, જે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની છે, તેમણે પોતાની પોસ્ટમાં જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે ભારતીય યુવાનોએ દુનિયાને બતાવ્યું છે કે સાચા અર્થમાં ‘વિશ્વગુરુ’ હોવાનો અર્થ શું છે. તેમણે કહ્યું કે આજના યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે હિંસા કે નફરતનો સહારો લેવાની જરૂર પડી નથી. તેમણે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને હિંમત અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીતાંજલિએ Gen-Zની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પેઢીએ માત્ર વિચારોનો પ્રચાર કર્યો નથી, પરંતુ તેને પોતાના આચરણમાં ઉતારીને બતાવ્યું છે.
સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો
ગીતાંજલિ આંગમોએ પોતાના નિવેદનમાં સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને યુવાનો પાસેથી હિંદુ ધર્મ, રાષ્ટ્રવાદ અને ‘વિશ્વગુરુ’ના સાચા અર્થને સમજવાની સલાહ આપી હતી. તેમના આ નિવેદનને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સીધા રાજકીય કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.
તેમણે અન્ય દેશોમાં થયેલા હિંસક વિદ્યાર્થી આંદોલનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે દેશને નુકસાન પહોંચાડ્યા વિના પણ અન્યાય સામે મજબૂતીથી અવાજ ઉઠાવી શકાય છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને ગીતાંજલિ આંગમોના નિવેદન બાદ પેપર લીકનો મુદ્દો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે પક્ષ અને વિરોધ પક્ષના સમર્થકો વચ્ચે ચર્ચા તેજ બની છે.