સુરતમાં જનઆંદોલનની તૈયારીઓ શરૂ, વડાપ્રધાનને રક્તથી લખેલા પત્રથી અપીલ, લાખો હસ્તાક્ષરો અને ભવ્ય રેલીનું આયોજન

Spread the love

શહેરમાં ગૌમાતાના સન્માન, સંરક્ષણ અને દેશી ગોવંશના જતનને લઈને ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત એક વિશાળ જનઆંદોલનની તૈયારીઓ તેજ બની છે. ગૌરક્ષકો, વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, મહિલાઓ, ટેક્સટાઇલ વેપારીઓ તેમજ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોના સહયોગથી 27 જુલાઈના રોજ સુરતમાં ઐતિહાસિક ગૌરક્ષા રેલી અને વિશાળ કાર્યક્રમ યોજાશે.PMને પત્ર લખીને ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા અપીલ

 

સમગ્ર અભિયાનને લઈને શહેરમાં ઉત્સાહ સાથે ભારે ચર્ચા જોવા મળી રહી છે. મહિલાઓએ પોતાના રક્તથી લખ્યા વડાપ્રધાનને પત્ર આ અભિયાનની સૌથી વિશેષ ઘટના તરીકે અનેક મહિલાઓએ પોતાના રક્તથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા અપીલ કરી છે. મહિલાઓએ જણાવ્યું હતું કે ગાય માત્ર એક પશુ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે. તેથી દેશી ગોવંશના રક્ષણ માટે કેન્દ્ર સરકારે કડક અને અસરકારક કાયદો બનાવવો જોઈએ.

 

સિલ્ક સિટી માર્કેટમાં અનોખું રક્ત-લેખન પ્રદર્શન

 

સુરતના પ્રસિદ્ધ સિલ્ક સિટી માર્કેટમાં ટેક્સટાઇલ વેપારીઓ, મહિલાઓ અને ગૌભક્તોએ અનોખું રક્ત-લેખન પ્રદર્શન યોજ્યું હતું. “ગાય ભારતનો સનાતન પ્રાણ છે”, “ગૌમાતા રાષ્ટ્રમાતા બનાવો” અને “દેશી ગોવંશ બચાવો” જેવા સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકોએ અભિયાનને સમર્થન જાહેર કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ગૌસેવા અને ગૌસંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાની માંગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

સમગ્ર સુરતમાંથી લાખો હસ્તાક્ષરો એકત્રિત

 

અભિયાનના ભાગરૂપે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ લાખો નાગરિકોના હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ હસ્તાક્ષરોને પરંપરાગત રીતે લાલ કાપડની પોટલીઓમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ આ પોટલીઓ ગૌમાતા પ્રત્યેની આસ્થા અને સંકલ્પનું પ્રતીક છે.

 

27 જુલાઈએ બળદગાડીઓમાં નીકળશે લાલ પોટલીઓ

 

27 જુલાઈના રોજ સવારે એક ભવ્ય શોભાયાત્રા સાથે હસ્તાક્ષરોથી ભરેલી લાલ પોટલીઓને પરંપરાગત બળદગાડીઓમાં રાખીને શહેરમાં ફેરવવામાં આવશે. આ અનોખી યાત્રા લોકોનું વિશેષ આકર્ષણ બનશે તેવી અપેક્ષા છે. રેલી આંદોલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત સુરતના અગ્રસેન ભવનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ ગૌરક્ષા રેલી યોજાશે. હજારોની સંખ્યામાં ગૌભક્તો, સંતો, મહિલાઓ, યુવાનો, વેપારીઓ તથા વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ આ રેલીમાં જોડાશે.

 

જગદ્ગુરુ ડૉ. રાજેન્દ્રદાસજી મહારાજના સાનિધ્યમાં મહા-અભિયાન

 

રેલી દરમિયાન ગૌસંરક્ષણના સંદેશ સાથે દેશી ગોવંશ બચાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે તેમજ કેન્દ્ર સરકાર સુધી પોતાની માગ પહોંચાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ જગદ્ગુરુ ડૉ. રાજેન્દ્રદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાશે. તેમના માર્ગદર્શન હેઠળ ગૌસન્માન અભિયાનને આધ્યાત્મિક અને સામાજિક બંને દિશામાં વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્રનો અખંડ જાપ

 

27 જુલાઈએ સવારે 8:00 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી “શ્રી રામ જય રામ જય જય રામ” મંત્રનો અખંડ જાપ યોજાશે. હજારો ગૌભક્તો એકસાથે મંત્રોચ્ચાર કરીને ગૌસંરક્ષણ માટે પ્રાર્થના કરશે. ગ્વાલ સંત ગોપાલાનંદ સરસ્વતીજીની આગેવાનીમાં કલેક્ટર કચેરી સુધી કૂચ ગ્વાલ સંત ગોપાલાનંદ સરસ્વતીજીની આગેવાની હેઠળ હજારો ગૌભક્તો અને સંતો કલેક્ટર કચેરી સુધી પહોંચશે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવશે. આયોજકોનો દાવો છે કે દેશભરના વિવિધ જિલ્લાઓમાં પણ આ જ દિવસે સમાન કાર્યક્રમો યોજાશે.

 

દેશભરમાં 15 કરોડ હસ્તાક્ષર એકત્રિત કરવાનો લક્ષ્‍યાંક

 

અભિયાન સાથે જોડાયેલા આગેવાનોના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં દેશભરમાં 5 કરોડથી વધુ હસ્તાક્ષરો એકત્રિત કરીને રજૂ કરવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કામાં દેશના 790 જિલ્લાઓમાંથી કુલ 15 કરોડ હસ્તાક્ષરો એકત્રિત કરવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ હસ્તાક્ષરો કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

 

મુખ્ય માંગણીઓ શું છે?

 

અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી રહી છે:

 

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે.

 

સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.

 

દેશી ગોવંશના સંવર્ધન માટે કડક કાયદો બનાવવામાં આવે.

 

કેન્દ્રીય ગોપાલન મંત્રાલયની રચના કરવામાં આવે.

ગૌઆધારિત કૃષિ અને ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે.

 

 

ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગનો પણ સમર્થન

 

સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ એસોસિએશન સહિત અનેક વેપારી સંગઠનોએ પણ ગૌ સન્માન આહ્વાન અભિયાનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, ગૌસંરક્ષણ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય જવાબદારીનો વિષય છે. 27 જુલાઈના રોજ યોજાનારા આ કાર્યક્રમને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

સુરતમાંથી દેશવ્યાપી સંદેશ આપવાનો આયોજકોનો પ્રયાસ

 

અનેક સ્વયંસેવકો લોકોને અભિયાન સાથે જોડાવવા માટે જનસંપર્ક કરી રહ્યા છે. ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આયોજકોના દાવા મુજબ આ કાર્યક્રમ સુરતના ગૌસંરક્ષણ આંદોલનના ઇતિહાસમાં સૌથી મોટા જનઆંદોલનોમાંથી એક સાબિત થઈ શકે છે. જો મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાશે તો ગૌમાતાના સન્માન અને સંરક્ષણને લઈને સુરતમાંથી દેશવ્યાપી સંદેશ આપવાનો આયોજકોનો પ્રયાસ વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *