વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

Spread the love

સંસદના ચોમાસુ સત્રમાં બે મોટા અને મહત્વના બિલ પાસ થયા છે. એક તરફ રાજ્યસભામાં “વંદે માતરમ”ને કાનૂની રક્ષણ આપતું બિલ પસાર કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે. તો બીજી તરફ, લોકસભામાં ભારે હોબાળા અને ઉગ્ર ચર્ચા વચ્ચે યુવાઓના ભવિષ્યને લગતું પેપર લીક વિરોધી બિલ પણ પાસ થઈ ગયું છે.આ બંને બિલ દેશના સાંસ્કૃતિક સન્માન અને શિક્ષણ વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યના માનવામાં આવી રહ્યા છે.

 

જો વિગતવાર વાત કરીએ તો, રાજ્યસભામાં “રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026” ને લીલી ઝંડી મળી ગઈ છે. આ કાયદો અમલમાં આવતાની સાથે જ “વંદે માતરમ”ને આપણા રાષ્ટ્રગીત “જન ગણ મન” જેટલું જ મજબૂત કાનૂની રક્ષણ મળી જશે. એટલે કે, હવે જો કોઈ વ્યક્તિ જાણીજોઈને “વંદે માતરમ”નું અપમાન કરશે અથવા તો તેને ગાતી વખતે કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરશે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત તેને દંડ ફટકારવામાં આવી શકે છે અથવા તો જેલ અને દંડ બંનેની સજા પણ ભોગવવી પડી શકે છે.આ બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ સુધારો માત્ર કોઈ કાયદાકીય ફેરફાર નથી. આ બિલ ભારતની આત્મા, આપણી રાષ્ટ્રીય ચેતના, ભવ્ય સાંસ્કૃતિક વારસો અને સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 

બીજી તરફ, ભાજપના સાંસદ વિનોદ તાવડેએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “વંદે માતરમ એ ભારતનું ગૌરવ અને સન્માન છે. આ એ જ મંત્ર અને વિજયનાદ છે જેણે દેશની આઝાદીની ચળવળમાં ઊર્જા અને પ્રેરણા પૂરી પાડી હતી તથા બલિદાનનો માર્ગ બતાવ્યો હતો.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ બિલ પાસ થવું એ ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના મક્કમ સંકલ્પનું જ એક પ્રતિબિંબ છે.

 

લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પસાર

 

સંસદના બીજા ગૃહ એટલે કે લોકસભાની વાત કરીએ તો, ત્યાં પણ એક અત્યંત મહત્વનું ‘પેપર લીક વિરોધી બિલ’ પસાર કરવામાં આવ્યું છે. ચોમાસુ સત્રમાં આ બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને અંતે તેને ધ્વનિ મતથી પાસ કરી દેવાયું. જોકે, આ પ્રક્રિયા શાંતિપૂર્ણ ન હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ પર બંને પક્ષો વચ્ચે ખાસ્સો તણાવ ઊભો થયો હતો. આખરે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એન્ટી પેપર લીક બિલ પસાર થયાની સત્તાવાર જાહેરાત કરી હતી અને ગૃહની કાર્યવાહી આવતીકાલ (ગુરુવાર) સુધી સ્થગિત કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *