ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા: કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ

Spread the love

શાળાઓમાં રજા જાહેર કરાઈ, જળાશયો આસપાસ નાગરિકોને ફરવા ન જવા અનુરોધ

 

આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRF ની ટીમો, ડી-વોટરિંગ પમ્પ્સ, ફાયટર પમ્પ્સ તથા અન્ય જરૂરી સાધન-સામગ્રી સાથે તંત્ર સજ્જ

ગાંધીનગર તા.૩૦ જુલાઈ –

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન સિસ્ટમને કારણે ગાંધીનગર જિલ્લામાં આગામી ૩ થી ૪ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની તથા તેજ પવન ફુંકાવાની સક્રિય શક્યતાઓ રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા જિલ્લાના નાગરિકોની સુરક્ષા માટે અગત્યના દિશા-નિર્દેશો અને અપીલ જાહેર કરવામાં આવી છે.

કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તથા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કોઈપણ નાગરિકને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તથા સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી હતી.

પશુધનની સંભાળ અંગે તેમણે ઉમેર્યું હતું કે, જો વરસાદનું જોર વધે અને પાણી ભરાવાની શક્યતા ઊભી થાય, તો પશુપાલકોએ પોતાના પશુઓને બાંધી રાખવાના બદલે ખુલ્લા મૂકવા, જેથી તેઓ પોતાનો જીવ બચાવી શકે. આ સાથે સાબરમતી નદીના તટ, સંત સરોવર કે અન્ય નદી-કાંઠાના વિસ્તારોમાં અકસ્માત ટાળવા માટે લોકોએ બિનજરૂરી ફરવા કે જોવા જવાનું ટાળવું તેમ કહ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRF ની ટીમો, ડી-વોટરિંગ પમ્પ્સ, ફાયટર પમ્પ્સ તથા અન્ય જરૂરી સાધન-સામગ્રી તૈયાર રાખવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સી કે મદદની જરૂરિયાત ઊભી થાય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સંબંધિત તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *