ગુજરાત પર ફરી એકવાર ભારે વરસાદના વાદળો ઘેરાયા છે. આજે 30 જુલાઈએ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.છતીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભપાસે સર્જાયેલું ડીપ ડીપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના કારણે 31 જુલાઈ અને 1લી ઓગસ્ટે રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા રાજ્ય સરકાર એલર્ટ બની છે. સંભવિત આફતને પહોંચી વળવા માટે પ્રભાવિત જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સરકારી અધિકારીઓની રજા રદ કરી હેડકવાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયો છે. રાજ્યમાં 30 જુલાઈ સુધીમાં સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
કાલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
31 જુલાઈએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક, વહીવટી તંત્રને હાઈ એલર્ટ કરાયું
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા.
રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન અને પૂર રાહત કામગીરીની સમીક્ષા
બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વલસાડ-નવસારીમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં 20 ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.
એકસાથે ચાર સિસ્ટમ સક્રિય, અત્યંત ભારે વરસાદની આગાહી
હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આજે (30 જુલાઈ) દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.
31 જુલાઈએ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.
31 જુલાઈ અને 1 ઓગસ્ટે પાવાગઢની યાત્રા ટાળવા અપીલ
31 જુલાઈ અને 1 ઓગસ્ટે પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પાવાગઢમાં ભારે વરસાદની શક્યતા હોય યાત્રાએ આવતા ભક્તોને બે દિવસ યાત્રા ટાળવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
1 ઓગસ્ટના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં છુટાછવા સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ
પર અસર
1. ડીપ ડિપ્રેશન
શું છે?: હવામાનની સિસ્ટમની તીવ્રતાનો એક ક્રમ હોય છે, જેમ કે સામાન્ય લો પ્રેશર, વેલ માર્ક્ડ લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનસ વાવાઝોડું. જ્યારે પવનની ઝડપ 31થી 61 કિમી/કલાક વચ્ચે પહોંચે અને દબાણ ખૂબ ઘટી જાય, ત્યારે તેને ‘ડીપ ડિપ્રેશન’ કહેવાય છે. આ વાવાઝોડા પહેલાંનું પગથિયું છે
વરસાદ પર અસર: આ ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ છે, તે પોતાની સાથે અતિશય ભેજ અને ચક્રવાતી પવનો લાવે છે. આ સિસ્ટમના કારણે અતિભારેથી અતિ અતિભારે વરસાદ પડે છે. આની સાથે પવનની ઝડપ પણ ખૂબ વધારે હોય છે, જેનાથી વૃક્ષો ધરાશાયી થવા, રસ્તા બંધ થવા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર (પૂર) જેવી કટોકટી સર્જાય છે.
2. મોન્સૂન ટ્રફ
શું છે?: ‘ટ્રફ’ એટલે ઓછા દબાણની એક લાંબી પટ્ટી. ચોમાસા દરમિયાન રાજસ્થાનના ગંગાનગરથી શરૂ થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી ઓછા દબાણની રેખાને ‘મોન્સૂન ટ્રફ’ કહે છે. જો આવી બે અલગ-અલગ પટ્ટીઓ અથવા શાખાઓ (દા.ત. એક ઉત્તર ભારતમાં અને બીજી દક્ષિણ/પશ્ચિમ કિનારે ઓફ-શોર ટ્રફ) સક્રિય હોય, તો તેને બે મોન્સૂન ટ્રફ કહેવામાં આવે છે.
વરસાદ પર અસર: મોન્સૂન ટ્રફ ચોમાસા માટેનો મુખ્ય “હાઇવે” ગણાય છે. આ પટ્ટી જ્યાંથી પસાર થાય છે ત્યાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો ભેગા થાય છે, જેનાથી વ્યાપક અને સાર્વત્રિક ભારે વરસાદ થાય છે. બે ટ્રફ સક્રિય હોય ત્યારે રાજ્ય કે દેશના મોટા ભાગોમાં એકસાથે ચોમાસું ખૂબ જ સક્રિય થઈ જાય છે.
3. અપર એર સરક્યુલેશન સરક્યુલેશન
શું છે?: પૃથ્વીની સપાટીથી થોડે ઉપર (સામાન્ય રીતે 1.5થી 5.8 કિમીની ઊંચાઈ પર) જ્યારે પવનો ગોળાકાર અથવા ચકરાવા આકારે ફરવા લાગે છે, ત્યારે તેને ‘અપર એર સરક્યુલેશન’ કહેવાય છે.
વરસાદ પર અસર: આ સિસ્ટમ આસપાસના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચે છે. પરિણામે વાદળોનો જમાવડો થાય છે અને જે તે વિસ્તારમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ સ્થાનિક સ્તરે ભારે વરસાદ પડે છે. ઘણીવાર આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ‘લો પ્રેશર’ કે ‘સાયક્લોનિક સરક્યુલેશન’માં ફેરવાઈ જતી હોય છે.
4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
શું છે?: આ ભારતની ભૂમિ પર ઉત્પન્ન થતી નથી, પરંતુ ભારતથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદ્ભવતી એક બિન-ચોમાસુ હવામાન પ્રણાલી છે. આ સિસ્ટમ ઊંચા વાતાવરણમાં વહેતા ‘પશ્ચિમી જેટ સ્ટ્રીમ’ પવનો દ્વારા પશ્ચિમથી પૂર્વ તરફ ધકેલાય છે અને ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશે છે. પશ્ચિમ દિશામાંથી આવીને શાંત હવામાનમાં વિક્ષેપ ઊભો કરતી હોવાથી તેને ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ કહેવામાં આવે છે.
વરસાદ અને હવામાન પર અસર: ચોમાસા સિવાયના સમયમાં (મુખ્યત્વે શિયાળા અને ઉનાળાના પ્રારંભમાં) દેશના હવામાન પર આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળે છે.
પાકને નુકસાન પણ પહોંચાડી શકે: આ ભેજવાળા પવનો હિમાલયના પહાડો સાથે અથડાતા જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા ય છે. સાથે જ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત જેવા પશ્ચિમી રાજ્યોમાં કમોસમી વરસાદ એટલે કે ‘માવઠું’ પડે છે. જો સિસ્ટમ વધુ મજબૂત હોય તો પવનના તીવ્ર ઝાપટાં અને કરા પડીને પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે.

