Surat: લૂંટેરી દુલ્હન ગેંગનાં માસ્ટર માઇન્ડ હિતેશને પોલીસે વરરાજા બની દબોચ્યો

Spread the love

હૈદરાબાદ રહેતાં સુરતનાં પરિવારનાં 22 વર્ષીય પુત્રનાં લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી પાંચ લાખ રૂપિયા ઉસેટી લેવાની તપાસમાં વલસાડનાં માસ્ટર માઇન્ડ હિતેશ ઉર્ફે રાહુલ ઉર્પે રસિક ઉર્ફે રાજુને પોલીસે જાતે નકલી મૂરતીયો બની ઠગ્યો હતો. પોતે જ લગ્ન કરવા માંગતો હોવાનું નાટક કરી કાપોદ્રા પોલીસનાં કોન્સ્ટેબલ અને ટીમે આ ઠગને ઉત્રાણ પાસે બોલાવી દબોચી લીધો હતો.

પાંચથી છ ગુનાનો ભૂતકાળો ધરાવતાં હિતેશ કાપડીયાની પૂછપરછમાં સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું.

 

કાપોદ્રા પોલીસ ઇન્સપેક્ટર આર.એમ. સોલંકી પાસે એક પરિવાર આવ્યું હતું. છેલ્લાં થોડાંક સમયથી હૈદરાબાદ રહેતાં અને કાપોદ્રા, મમતા પાર્ક-03માં મકાન ધરાવતાં જીતુ મકવાણા (ઉ.વ. 48) તેમનાં 22 વર્ષીય પુત્ર જય સાથે આવ્યા હતા. જયનાં લગ્ન તેમણે વલસાડ, મોગરાવાડીનાં હિતેશ રતિલાલ કાપડીયાને 2.20 લાખ રૂપિયા આપી તેમની સાળી સ્વાતિ રાજકુમાર રજક (રહે, નાગપુર) સાથે ગત 28મી માર્ચે કરાવ્યા હતા. લગ્નમાં દુલ્હનનાં ઘરેણાં સહિત 2.80 લાખનો ખર્ચ કર્યો હતો. એક જ મહિનામાં આ દુલ્હન ભાગી ગઇ હતી અને હિતેશ તેની પત્ની બનીને આવેલી અનિતા બાબુરાવ કદમ અને પત્નીની ફોઇની પુત્રી શિતલ પણ ભાગી છૂટી હતી.

 

આ શખ્સનો ફોટો બતાવતાં જ પોલીસ આખો મામલો સમજી ગઇ હતી. હિતેશ કાપડીયા લૂંટેરૂ દુલ્હન ટોળકીનો માસ્ટર માઇન્ડ હોવાનું અને જે તેની પત્ની, સાળી બનીને આવી હતી તે બધી જ તેની ટોળકીની સભ્ય હતી. બહુનામધારી હિતેશ કાપડીયા, રાહુલ, રસિક, રાજુ નામ ધારણ કરી લગ્ન વાંચ્છુક યુવકો અને આધેડને ખંખેરી લેતો હતો. વરછા, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, કતારગામમાં તે ભૂતકાળમાં ઝડપાઇ ચૂક્યો હતો. વલસાડમાં જ ક્યાંક છુપાઇને રહેતો હિતેશ પોલીસના હાથમાં આવતો નહિ હોઇ કોન્સ્ટેબલ મુસ્તાકે નવી તરકીબ અજમાવી હતી. કોન્સ્ટેબલે સામાન્ય શખ્સ તરીકે હિતેશને કોલ કર્યો હતો અને પોતાનાં લગ્ન નહિ થતાં હોઇ દુલ્હન ખરીદવા માંગતો હોવાનું જાહેર કરી ઝાંસામાં લીધો હતો. પોતે નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવતાં જ લલચાયેલો હિતેશ સુરત આવતાં જ પોલીસે છટકું ગોઠવી દબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *