ગાંધીનગર પર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 10.24 ઈંચ વરસાદ, માણસા-કલોલમાં પાણી ભરાયા!

Spread the love

ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલ બાદ શુક્રવારથી શરૂ થયેલો વરસાદી દોર જારી રહ્યો છે. જિલ્લાભરમાં શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે મેઘરાજાએ મહેરબાન થઈ પધરામણી કરતા સમગ્ર પંથકમા ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યાથી આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ 10.24 ઈંચ નોંધપાત્ર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

 

જિલ્લાના ચાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ

 

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લા પર મેઘરાજા આ વર્ષે મોડા મહેરબાન થયા હોય તેમ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો હતો. અગાઉ માત્ર વાદળો વરસ્યા વગર જ પસાર થઈ રહ્યા હતા.

 

પરંતુ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી આખરે સાચી ઠરી છે. છેલ્લા 24 કલાકમાં વાતાવરણ સંપૂર્ણપણે બદલાતાં જિલ્લાના ચારેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી બફારાથી અકળાયેલા નાગરિકોને મોટી રાહત મળી છે.

24 કલાકમાં માણસા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાલુકાવાર વરસાદી આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં માણસા તાલુકામાં સૌથી વધુ 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે માણસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો પણ સાંપડ્યા છે. આ ઉપરાંત કલોલ તાલુકામાં 2.91 ઇંચ અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દહેગામ તાલુકામાં સૌથી ઓછો 1.85 ઈંચ વરસાદ

નોંધાયો છે.

 

વરસાદથી ખેતી માટે ફાયદો

 

કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ ચારેય તાલુકામાં સવારથી જ રોકાઈ-રોકાઈને પડેલા વરસાદી ઝાપટાં અને ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સતત વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં પણ આ વરસાદને કારણે ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે સારા વરસાદથી પાકને નવું જીવન મળવાની આશા જાગી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *