પાટનગર ગાંધીનગર નજીક આવેલા સુઘડ ગામની સીમમાં આવેલી પોશ સોસાયટીમાં નવો બંગલો ખરીદવાની ઇચ્છા ધરાવતા એક ખાનગી કંપનીના કર્મચારી સાથે રૂ. 57.50 લાખની વિશ્વાસઘાત અને ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા દંપતી સામે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
બંગલો નક્કી કર્યા બાદ લાખો રૂપિયા પડાવ્યા અમદાવાદના નારણપુરા વિસ્તારના નિવાસી અને હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા હાર્દિક મોહનભાઈ પરીખે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં નવો બંગલો શોધતા હતા. જુલાઈ 2024માં ભાટ સર્કલ પાસે મારેલા જાહેરાત બોર્ડ પરથી તેમણે મકાન માલિક યશવંત બંશીલાલ ઈનાણીનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે રૂ. 2.30 કરોડમાં બંગલો ખરીદવાનું નક્કી થયું હતું. ત્યારબાદ દસ્તાવેજની રકમ ઓછી દર્શાવી બાકીની રકમ રોકડા, RTGS અને સગા-સંબંધીઓ તથા બિલ્ડરોના ખાતામાં ટ્રાન્સફર કરાવવાની રમત ખેલાઈ હતી. હાર્દિકભાઈએ મકાન મેળવવાની આશામાં
પર્સનલ લોન લઈને, સગા-સંબંધીઓ પાસેથી નાણાં ઉછીના મેળવીને તેમજ પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકીને ટુકડે-ટુકડે કુલ 57.50 લાખ ચૂકવી દીધા હતા. દસ્તાવેજના સમયે બહાના બતાવી ફોન ઉપાડવાનું બંધ કર્યું
આરોપી યશવંત ઈનાણી તથા તેની પત્ની રીનાબેન ઈનાણીએ ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવા છતાં વેચાણ કરાર કરી આપ્યો નહોતો. સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીની તારીખ નક્કી કરવામાં આવતી ત્યારે આરોપીઓ વારંવાર બહાના બતાવી ગેરહાજર રહેતા હતા અને બાદમાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
પૈસા પરત માગતાં ધમકી આપી
છેતરપિંડીનો ભોગ બનેલા હાર્દિકભાઈ અને તેમની પત્ની જ્યારે શાહીબાગ સ્થિત ‘સત્યમ એપાર્ટમેન્ટ’ ખાતે આરોપીના ઘરે પૈસાની ઉઘરાણી કરવા ગયા ત્યારે આરોપીઓએ રકમ પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, ફરિયાદીનું જાતિવિષયક અપમાન કરી ”તમારાથી થાય તે કરી લો, એક રૂપિયો પણ પાછો નહીં મળે” તેમ કહી હાથ-પગ ભાગી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે યશવંત બંશીલાલ ઈનાણી અને રીનાબેન ઈનાણી સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.