ગાંધીનગર અને અમદાવાદને જોડતા તેમજ અમદાવાદ એરપોર્ટ તરફ જવા માટેના મહત્વના ઈન્દિરા બ્રિજને હવે 6 લેનમાંથી વધારીને 12 લેનનો બનાવવામાં આવશે. વર્ષ 1983માં ઈન્દિરા બ્રિજ 4 લેનનો બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ વર્ષ 2012માં તેનું વિસ્તરણ કરીને તેને 6 લેનનો કરવામાં આવ્યો હતો. જોકે સુભાષ બ્રિજ બંધ થયા બાદ ઈન્દિરા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે અને હાલમાં દરરોજ દોઢ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાનું માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હર્ષિત દવેએ જણાવ્યું છે.
6 લેનના બ્રિજની બંને બાજુ 3-3 લેનનો નવો બ્રિજ બનશે
આગામી સમયમાં વધનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરકારે ઈન્દિરા બ્રિજને 12 લેનનો બનાવવા માટે મંજૂરી આપી છે. હાલના 6 લેનના બ્રિજની બંને બાજુ 3-3 લેનના નવા બ્રિજ બનાવવામાં આવશે. આમ હાલના બ્રિજ સાથે કુલ 12 લેનની વ્યવસ્થા ઊભી થશે અને વાહનચાલકોને વધુ સરળતાથી અવરજવર કરી શકાશે.
એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. ટેન્ડર પ્રક્રિયા મંજૂર થયા બાદ આગામી 1થી 2 મહિનામાં કામ શરૂ કરવાની તૈયારી છે. તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને એક વર્ષની અંદર નવો બ્રિજ તૈયાર કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નવા બ્રિજમાં આધુનિક સુવિધાઓ
પ્રોજેક્ટ અંતર્ગત નવા બ્રિજમાં બંને બાજુ નવી ફૂટપાથની વ્યવસ્થા કરવામાં આવશે. નવા બ્રિજની કુલ લંબાઈ આશરે 400.44 મીટર રહેશે. સાબરમતી નદી ઉપરના બ્રિજ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ તરફના એપ્રોચની પણ કામગીરી કરવામાં આવશે. નવા બ્રિજના નિર્માણ બાદ ગાંધીનગર તરફના એરપોર્ટ, અડાલજ, શાહીબાગ તથા રીવરફ્રન્ટ તરફ જતા ટ્રાફિકને અલગ લેનમાં ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
હર્ષિત દવે, ડેપ્યુટી એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું કે, ઈન્દિરા બ્રિજ પર સતત વધી
રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 12 લેનનો નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. સરકારનો પ્રયાસ છે કે કામગીરી ઝડપથી પૂર્ણ કરી એક વર્ષની અંદર બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે.
