મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારા આયોગ (GARC)ના ચોથા અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોના આધારે તાલુકા સ્તરે કાર્યરત વિવિધ આયોજન સમિતિઓને એકીકૃત કરીને નવી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (UTPC) રચવાનો નિર્ણય કર્યો છે.નવી કમિટી કુલ 18 સભ્યોની હશે અને તાલુકા સ્તરના વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત, સંકલિત અને ઝડપી બનાવવાનું મુખ્ય લક્ષ્ય ધરાવશે.
GARC ની ભલામણ પાછળનું કારણ શું હતું?
ઓગસ્ટ 2025માં રજૂ કરાયેલા ગુજરાત વહીવટી સુધારા આયોગના ચોથા અહેવાલમાં તાલુકા સ્તરે કાર્યરત વિવિધ આયોજન સમિતિઓની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવાયું હતું કે તાલુકા પ્લાનિંગ કમિટી, આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) એક્ઝિક્યુટિવ પ્લાનિંગ કમિટી અને તાલુકા પંચાયત પ્લાનિંગ કમિટી અલગ-અલગ બેઠકો યોજતી હોવાથી અનેક વખત સમાન મુદ્દાઓ પર વારંવાર ચર્ચા થતી હતી.
આ કારણે કામનું પુનરાવર્તન થતું હતું, વહીવટી પ્રક્રિયાઓ વધુ જટિલ બનતી હતી અને સમય તેમજ સરકારી સંસાધનોનો બિનજરૂરી ઉપયોગ થતો હતો. અનેક સભ્યો એકથી વધુ સમિતિમાં સામેલ હોવાથી નિર્ણય પ્રક્રિયામાં પણ વિલંબ સર્જાતો હતો. આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે તાલુકા સ્તરે એક જ એકીકૃત આયોજન સંસ્થા રચવાની ભલામણ કરવામાં આવી હતી.
UTPC શું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ શું રહેશે?
રાજ્ય સરકારના નિર્ણય મુજબ હવે દરેક તાલુકામાં અલગ-અલગ આયોજન સમિતિઓના સ્થાને એક જ યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (UTPC) કાર્યરત રહેશે. આ કમિટી તાલુકા સ્તરે વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન ઉભું કરશે અને વિકાસ યોજનાઓના અમલને ઝડપી બનાવશે.
નવી વ્યવસ્થાથી વિકાસ સંબંધિત નિર્ણયોમાં થતો વિલંબ ઘટશે, વિવિધ વિભાગો વચ્ચે સુમેળ વધશે અને સરકારી યોજનાઓનો લાભ ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાશે. તાલુકા સ્તરે વિકાસને વધુ વૈજ્ઞાનિક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો પણ આ પહેલનો મુખ્ય હેતુ છે.
ગ્રામીણ નાગરિકોને શું મળશે લાભ?
નવી કમિટી સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાલુકા વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરશે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગોની યોજનાઓને એકીકૃત કરીને સંકલિત વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત વિકાસકાર્યોની નિયમિત સમીક્ષા કરવામાં આવશે જેથી કામ સમયસર પૂર્ણ થાય અને અમલમાં પારદર્શિતા જળવાઈ રહે. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ સુવિધા, કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વધુ અસરકારક આયોજન શક્ય બનશે.
સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી સરકારી યોજનાઓ અને કલ્યાણકારી લાભો ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો સુધી વધુ ઝડપથી અને અસરકારક રીતે પહોંચી શકશે.
UTPC માં કોણ-કોણ રહેશે સામેલ?
નવી રચાનારી 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.
કમિટીમાં તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ તરીકે રહેશે, જ્યારે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ (SDM) સહ-અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળશે. તાલુકા વિકાસ અધિકારી (TDO) સભ્ય સચિવ તરીકે જવાબદારી નિભાવશે.
આ ઉપરાંત વિસ્તારના સાંસદ (MP), ધારાસભ્ય (MLA), જિલ્લા પંચાયતના સંબંધિત સભ્યો અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષોને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ અને મકાન તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ પણ કમિટીના સભ્ય તરીકે જોડાશે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓને એક જ મંચ પર લાવી તાલુકા સ્તરે વધુ અસરકારક અને સંકલિત વિકાસ આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિકાસ યોજનાઓના અમલમાં આવશે વધુ ઝડપ અને પારદર્શિતા
રાજ્ય સરકારના મતે UTPC ની રચનાથી વિકાસકાર્યોના અમલમાં પારદર્શિતા, જવાબદારી અને દેખરેખ વધુ મજબૂત બનશે. એક જ કમિટી દ્વારા વિવિધ વિભાગોની યોજનાઓનું આયોજન અને સમીક્ષા થવાને કારણે નિર્ણય પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે.
વહીવટી પ્રક્રિયાઓમાં ઘટાડો થવાથી વિકાસ પ્રોજેક્ટ્સના અમલમાં ઝડપ આવશે અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન સર્જાશે.
‘વિકસિત ગુજરાત’ના વિઝનને મળશે નવી દિશા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શાસન વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે સતત વહીવટી સુધારાઓ અમલમાં મૂકી રહી છે. ગુજરાત વહીવટી સુધારા આયોગની ભલામણોના આધારે રચાનારી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી તાલુકા સ્તરે વિકાસ આયોજનને નવી દિશા આપશે.
નવી વ્યવસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યો વધુ સુવ્યવસ્થિત રીતે અમલમાં આવશે, સ્થાનિક જરૂરિયાતોને આધારે આયોજન શક્ય બનશે અને રાજ્યના ‘વિકસિત ગુજરાત’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે
