અજાણી સ્ત્રીને બાઈક પર બેસાડતા પહેલાં 100 વાર વિચારજો, અમરેલીમાં વૃદ્ધે કરેલી સેવા બની ગઈ જિંદગીની સૌથી મોટી ભૂલ!

Spread the love

અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો લાલબત્તી સમાન કિસ્સો અમરેલી જિલ્લાના લાઠી નજીક પ્રકાશમાં આવ્યો છે. ભુરખીયા જઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પાસે લિફ્ટ માગીને તેમને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી વસૂલતી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગનો લાઠી પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગર અને અમદાવાદ પોલીસની મદદથી ચલાવાયેલા સંયુક્ત ઓપરેશનમાં સુરતની આ શાતિર ટોળકીના ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.અજાણી મહિલાએ હાથ ઊંચો કરીને ભુરખીયા સુધીની લિફ્ટ માગી

 

મળતી વિગતો મુજબ, ફરિયાદી વૃદ્ધ પોતાની બાઈક પર દીકરીના ખબર-અંતર પૂછવા માટે દામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠી ચોકડી પાસે એક અજાણી મહિલાએ હાથ ઊંચો કરીને ભુરખીયા સુધીની લિફ્ટ માગી હતી. માનવતાના ધોરણે વૃદ્ધે મહિલાને બાઈક પર બેસાડી હતી. પરંતુ જેવા તેઓ ભુરખીયા દરવાજા પાસે પહોંચ્યા, કે તરત જ પાછળથી એક ફોરવ્હીલ કારમાં આવેલા મહિલાના સાગરીતોએ બાઈકને આંતરીને રોકી લીધું હતું.

 

આરોપીઓએ કેસ ન કરવા બદલ રૂ. 2.50 લાખની ખંડણી માગી

 

કારમાંથી ઉતરેલા શખસોએ વૃદ્ધ સાથે બળજબરી કરી ઢીકાપાટાનો ઢોર માર માર્યો હતો અને “મહિલાને કેમ બેસાડી?” તેમ કહી દુષ્કર્મના જુઠ્ઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપીઓએ કેસ ન કરવા બદલ રૂ. 2.50 લાખની ખંડણી માગી હતી, જેમાંથી ગભરાઈ ગયેલા વૃદ્ધ પાસેથી રૂ. 58,000 ગુગલ-પે મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

 

આરોપીઓ નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતા

 

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને લાઠી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ઘનશ્યામ લાઠીયા, નિલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટીયા અને હેતલબેન સોરઠીયા તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ મૂળ સુરતના રહેવાસી છે અને મહિલાઓનો મહોરા તરીકે ઉપયોગ કરી અલગ-અલગ વિસ્તારોમાં નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા.

 

આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ વિશાળ છે, જેમાં ઘનશ્યામ સામે 7, નિલેશ સામે 4 અને રાજેશ સામે 4 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીના રૂ. 58,000 રોકડા, 4 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ફોરવ્હીલ કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *