ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા તારંગા જૈન તીર્થધામમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પૂજારીના રૂમમાંથી પૂજારી પ્રવીણ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેનના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક આશંકા મુજબ વર્ષાબેનની હત્યા કર્યા બાદ પૂજારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
મળતી માહિતી અનુસાર, મૃતક પૂજારી પ્રવીણ રાઠવા (ઉ.વ.37) અને વર્ષાબેન(ઉ.વ.35) મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના વતની હતા. પ્રવીણ રાઠવા છેલ્લા 6 વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ચૂલી ગામ નજીક આવેલા તારંગા જૈન તીર્થધામમાં પૂજારી તરીકે સેવા આપતા હતા. દરમિયાન આજે 4થી ઓગસ્ટને મંગળવારે સવારના સમયે પતિ-પત્ની બંનેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચારેય તરફ ખળભળાટ મચ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, તારંગા જૈન તીર્થધામના સંચાલકોએ આજે સવારે પૂજારીનો રૂમ ખોલતાં અંદર પૂજારી અને તેમની પત્ની શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પતિ પ્રવીણ રાઠવા છત પર પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો અને તેમના કપડા પણ લોહીલુહાણ હતા, જ્યારે પત્ની વર્ષાબેનનો મૃતદેહ શંકાસ્પદ રીતે લોહીલુહાણ હાલતમાં તળિયે પડ્યો હતો અને બાજુમાં લાકડાના દંડા જેવો કોઈ પદાર્થ પણ મળી આવ્યો હતો. જે ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ધ્રાંગધ્રા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
બાદમાં ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે પ્રાથમિક તપાસમાં વર્ષાબેનના મૃતદેહ પર માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પોલીસે પ્રાથમિક તારણ લગાવ્યું છે કે, દંપતી વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થતા પૂજારી પ્રવીણ રાઠવાએ આવેશમાં આવીને તેમની પત્ની વર્ષાબેન રાઠવાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી પોતે ફાંસીએ લટકી ગયા હોઈ શકે છે. જોકે આ બનાવ પાછળ ખરેખર કયું કારણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસે દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ આગળ વધારી છે.
