પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને કન્ટેનર મૂકીને સીલ કરી દેવામાં આવી છે, જેનાથી સત્તા પરિવર્તનની અટકળો તેજ થઈ ગઈ છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ દેશના સૌથી મોટા કૌભાંડ અને સિસ્ટમ બરબાદ થઈ હોવાનો દાવો કરીને પોતાની જ સરકારને કઠોડામાં ઊભી કરી દીધી છે. સેના પ્રમુખ આસિમ મુનીરની શહે પર શહબાઝ શરીફની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે.પાકિસ્તાનમાં એકવાર ફરી મોટા રાજકીય ઉલટફેર અને સૈન્ય તખ્તાપલટના એંધાણથી હલચલ તેજ થઈ ગઈ છે.રાજધાની ઈસ્લામાબાદને જગ્યા-જગ્યાએ કન્ટેનર મૂકીને પૂરી રીતે સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન શહબાઝ શરીફની ખુરશી હવે જોખમમાં દેખાઈ રહી છે અને આ આખી ઘટનાની પટકથા રાવલપિંડીમાં આવેલા સૈન્ય હેડક્વાર્ટરમાં લખાઈ રહી છે. વડાપ્રધાન શહબાઝ શરીફ અને ગૃહમંત્રી મોહસિન નકવી વચ્ચે વધતી તિરાડ હવે ખુલીને સામે આવી ચૂકી છે. આ દરમિયાન, સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના ખૂબ જ નજીકના માનવામાં આવતા મોહસિન નકવીએ પાકિસ્તાનની શાસન વ્યવસ્થા ‘ધ્વસ્ત’ થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યા બાદ વધુ એક મોટો દાવો કર્યો છે.
પોતાની જ સરકાર પર ગૃહમંત્રીનો હુમલોગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે દેશના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ન્યાયાધીશો, અમલદારો, રાજકારણીઓથી લઈને બેંકર્સ સુધીના લોકો સામેલ છે. જેઓ છેલ્લા 21 વર્ષથી લાંચખોરીમાં લિપ્ત છે. જોકે, તેમણે કોઈનું નામ જાહેર કર્યું નથી, પરંતુ આ નિવેદને શહબાઝ સરકારના પાયા હચમચાવી દીધા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નકવીએ પોતાના નિવેદનમાં સેનાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, જેનાથી સાફ જાહેર થાય છે કે તેમનું નિશાન પૂરી રીતે નાગરિક વહીવટીતંત્ર અને શહબાઝ સરકાર પર છે. નકવીની વધતી રાજકીય આકાંક્ષાઓ અને સેના પ્રમુખ આસિમ મુનીરનો તેમને મળેલો ખુલ્લો ટેકો, શહબાઝ શરીફ માટે મોટો પડકાર બની રહ્યો છે.
શું છે મુનીર અને નકવીનો ‘ગેમ પ્લાન’?સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નકવીની દાનત લાંબા સમયથી વડાપ્રધાન બનવાની રહી છે. આસિમ મુનીરે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા માટે પણ શરીફ સરકારને બાજુ પર રાખીને નકવીને જ પોતાના ખાસ પ્રતિનિધિ બનાવ્યા હતા. બલુચિસ્તાન અને PoKમાં વધતા આંતરિક પડકારો વચ્ચે જનરલ મુનીર, નકવી દ્વારા નાગરિક સરકાર પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.
પાકિસ્તાનની બે સૌથી મોટી સત્તાધારી પાર્ટીઓ PML-N અને PPP આ મુદ્દે પૂરી રીતે મૌન છે. વાસ્તવમાં, PML-Nની તાકાત પંજાબ અને PPPની તાકાત સિંધ પ્રાંતમાં છુપાયેલી છે. જો પ્રાંતિય સીમાઓ બદલાય છે, તો આ બંને રાજકીય ઘરાનાઓનું વહીવટી નિયંત્રણ અને રાજકીય વર્ચસ્વ ખતરામાં પડી શકે છે.
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો વળતો પ્રહારનકવીના આ વલણથી ભડકેલા સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તેમના પર તીખો હુમલો બોલ્યો છે. એક ટીવી ડિબેટમાં આસિફે નકવીને ‘અત્યંત શક્તિશાળી વ્યક્તિ’ ગણાવતા કહ્યું કે તેઓ છેલ્લા 3 વર્ષથી મોટા હોદ્દા પર છે અને ઘણા કિસ્સાઓમાં તો વડાપ્રધાનને પણ જવાબદાર નથી રહ્યા. આસિફે કટાક્ષ કરતા કહ્યું, “જો આટલી શક્તિશાળી વ્યક્તિ પણ સિસ્ટમની ફરિયાદ કરે, તો બાકીના મંત્રીઓએ ઘરે જતું રહેવું જોઈએ.” તેમણે નકવીને સલાહ આપી કે તેઓ દેશ બદલતા પહેલા પોતાના ક્રિકેટ બોર્ડ અને ગૃહ મંત્રાલયની વ્યવસ્થા સુધારે.
શું ફરી પલટાશે સત્તા?પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સત્તાના ઉચ્ચ સ્તર પર આવો ખુલ્લો વિવાદ જોવા મળી રહ્યો છે. મોહસિન નકવી જે રીતે હવે ખુલીને સિસ્ટમને પડકારી રહ્યા છે અને કાર્યવાહીની વાત કરી રહ્યા છે, તેનાથી એકવાર ફરી ‘તખ્તાપલટ’ કે મોટા સત્તા પરિવર્તનની આશંકા વધી ગઈ છે. એમ પણ પાકિસ્તાનના ઈતિહાસને જોતા આમાં કોઈ નવાઈ પામવા જેવું નથી, કારણ કે ત્યાં અસલી કમાન હંમેશાં સેનાના હાથમાં જ રહી છે.