4 કરોડના મકાન પર 22 કરોડના ટેક્સની નોટિસ આવતા મકાન માલિકની તબિયત લથડી, છાતીમાં દુખવા લાગ્યું, સરકારને કહ્યું, મકાન રાખી લો વધે એ પૈસા આપી દો…

Spread the love

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નગર નિગમની મોટી બેદરકારી સામે આવી છે. નગર નિગમના વોર્ડ નંબર-2માં રહેતા ફરહાદ આલમ અને તેમના પિતા ઇશ્તિયાક અહેમદને લગભગ 22.17 કરોડ રૂપિયાનો હાઉસ ટેક્સ ભરવાની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં 2.17 કરોડ રૂપિયાનું પાણીનું બિલ પણ સામેલ છે.

 

4 કરોડનું મકાન, 22 કરોડનો ટેક્સ

 

ફરહાદ આલમે જણાવ્યું કે તેમનો પરિવાર લગભગ એક વર્ષ પહેલાં જ નવા મકાનમાં રહેવા આવ્યો હતો.મકાનની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે, પરંતુ નગર નિગમ દ્વારા મોકલાયેલી રસીદમાં 22 કરોડ 17 લાખથી વધુનો હાઉસ ટેક્સ દર્શાવવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ જોઈ આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો.

 

GIS સર્વે અને જૂની અદાવતનો આરોપ

 

પરિવારનો આરોપ છે કે આ નોટિસ GIS સર્વેના આધારે જાહેર કરવામાં આવી છે. ફરહાદના જણાવ્યા અનુસાર અગાઉ તેમના વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ જ સાંજે આ 22 કરોડ રૂપિયાની નોટિસ તેમના ઘરે પહોંચી હતી. તેમણે આ મામલે કાનૂની લડત લડવાની જાહેરાત કરી છે.

 

‘સરકાર મકાન જ રાખી લે’

 

હૃદયરોગથી પીડિત ઇશ્તિયાક અહેમદે જણાવ્યું કે કરોડો રૂપિયાની નોટિસ મળ્યા બાદ તેમની તબિયત બગડી ગઈ છે અને તેઓ બેડ રેસ્ટ પર છે. તેમણે વ્યંગમાં કહ્યું કે જો નગર નિગમ ખરેખર 22 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવા માંગે છે, તો સરકાર તેમનું મકાન જ રાખી લે અને તેની કિંમત તેમને આપી દે, જેથી તેઓ અન્યત્ર જઈને રહી શકે.

 

નગર નિગમના અધિકારીઓએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ સિસ્ટમની ટેક્નિકલ ભૂલ છે અને તેને ટૂંક સમયમાં સુધારી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *