સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. કરાર બાદ તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને સ્પષ્ટ કર્યું છે કે આ સમજૂતી કોઈ ચોક્કસ દેશ, ખાસ કરીને ઈરાન, વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે ત્રણેય દેશોમાંથી કોઈ એક પર હુમલો થાય ત્યારે તેને સહિયારો ખતરો ત્યારે જ માનવામાં આવશે જ્યારે હુમલાનો ભોગ બનેલો દેશ ઔપચારિક રીતે અન્ય બે દેશો પાસેથી મદદની વિનંતી કરશે.તુર્કીના આ નિવેદનથી કરારની વાસ્તવિક અસર અને તેની પરસ્પર સંરક્ષણની જોગવાઈ અંગે નવી ચર્ચા ઊભી થઈ છે.
શું છે ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’?
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે મક્કામાં આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે સંરક્ષણ સહકાર વધારવાની યોજના છે. તેલ સમૃદ્ધ સાઉદી અરેબિયા, પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન અને નાટોનું મહત્વપૂર્ણ સભ્ય તુર્કી એકસાથે આવતા આ ગઠબંધનને કેટલાક વર્તુળોમાં ‘ઇસ્લામિક નાટો’ તરીકે પણ ઓળખાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં એવી ધારણા હતી કે એક સભ્ય દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો સામેનો હુમલો ગણવામાં આવશે.ઈરાનને લઈને તુર્કીએ શું કહ્યું?
તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને સરકારી અનાદોલુ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કરાર કોઈ ચોક્કસ રાજ્યને દુશ્મન તરીકે નિર્ધારિત કરતો નથી. તેમના જણાવ્યા અનુસાર, જે દેશ ત્રણેયમાંથી કોઈ સામે હુમલો કરતો નથી તે દેશને નિશાન માનવામાં આવશે નહીં. ફિદાનેએ પરસ્પર સંરક્ષણની જોગવાઈને નાટોની કલમ 5 સાથે ટેકનિકલી સમાન ગણાવી હતી, પરંતુ તેની અમલવારી અંગે મહત્વની શરત પણ જણાવી હતી. જો કોઈ સભ્ય દેશ પર હુમલો થાય તો તેણે ઔપચારિક રીતે મદદની વિનંતી કરવી પડશે. ત્યારબાદ અન્ય બે દેશો પરિસ્થિતિ પ્રમાણે ગુપ્ત માહિતી, લોજિસ્ટિક્સથી લઈને સૈન્ય સહાય સુધીના વિકલ્પો પર નિર્ણય લઈ શકે છે.ગઠબંધનમાં વધુ દેશો જોડાશે?
હકાન ફિદાનેએ જણાવ્યું કે અન્ય કેટલાક દેશોએ પણ આ સંરક્ષણ કરારમાં જોડાવામાં રસ દર્શાવ્યો છે. તેમણે કોઈ દેશનું નામ જાહેર કર્યું નથી, પરંતુ આગામી તબક્કામાં ઈજિપ્ત પણ આ ગઠબંધનમાં જોડાઈ શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. કરાર હેઠળ ત્રણેય દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો તેમજ લશ્કરી વડાઓ નિયમિત બેઠકો યોજશે. આ ઉપરાંત સાઉદી અરેબિયામાં એક સંયુક્ત સચિવાલય સ્થાપવાની પણ યોજના છે. ઈરાન સાથેના તાજેતરના તણાવ અને પ્રાદેશિક સુરક્ષાની ચિંતાઓ વચ્ચે આ ગઠબંધન મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ તુર્કીના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે આ કરારને કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધના લશ્કરી ગઠબંધન તરીકે જોવું યોગ્ય નથી.
