ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બે મિત્રોની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. છેલ્લા લગભગ 20 દિવસથી ગુમ થયેલા અંકિત અને ઇસરારના મૃતદેહ લહચૌડા ગામમાં આવેલા ગણેશ મંદિર પરિસરમાં ધૂણી નીચે દફનાવેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પર ખાડો ખોદાવીને બંને મૃતદેહ બહાર કઢાવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.પરિવારજનોએ મંદિરના પૂજારી પર બંનેની હત્યામાં સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ કથિત ગેરકાયદેસર સંબંધ હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
20 દિવસથી ગુમ હતા બંને મિત્રો
આ મામલો ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લહચૌડા ગામનો છે. અંકિત અને ઇસરાર ગાઢ મિત્રો હતા. બંને લગભગ 20 દિવસ પહેલાં ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ પરત ફર્યા નહોતા.
પરિવારજનોએ બંનેની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને મિત્રો લહચૌડા ગામના ગણેશ મંદિરમાં રહેતા પૂજારીને મળવા ગયા હતા. ત્યારબાદથી જ બંને ગુમ થઈ ગયા હતા.
પરિવારજનો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેમને મંદિર પરિસરમાં બંનેના મૃતદેહ દફન કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
ધૂણી નીચે ખાડો ખોદીને દફનાવ્યા હતા મૃતદેહ
માહિતી મળતાં જ પોલીસ મંદિર પરિસરમાં પહોંચી હતી. જે સ્થળે મૃતદેહ દફન કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી ત્યાં ખોદકામ કરાવવામાં આવ્યું હતું. ખાડામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને મૃતદેહ મંદિર પરિસરમાં બનેલી ધૂણીની નીચે દફનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ઉપર ઇન્ટરલોકિંગ ટાઇલ્સ લગાવી દેવામાં આવી હતી. આ કારણે મૃતદેહોને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિવારજનોએ પૂજારી પર વ્યક્ત કર્યો શંકા
પરિવારજનોએ મંદિરના પૂજારી પર બંનેની હત્યામાં સામેલ હોવાની શંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, આ પૂજારી અગાઉ અંકિત અને ઇસરારના ગામ સિંગોલી તગા ખાતે આવેલા મંદિરમાં રહેતો હતો. લગભગ છ મહિના પહેલાં તે લહચૌડાના ગણેશ મંદિરમાં રહેવા આવ્યો હતો.
પરિવારજનોનું કહેવું છે કે બંને મિત્રો પૂજારીને મળવા માટે મંદિરે પહોંચ્યા હતા અને ત્યારબાદ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. ઘટના બાદથી મંદિરનો પૂજારી ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કથિત ગેરકાયદેસર સંબંધને હત્યાનું કારણ ગણાવાયું
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ કથિત સંબંધની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી એકના પરિવારની એક મહિલા સાથેના કથિત સંબંધને લઈને આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલા મંદિરના પૂજારીની પ્રેમિકા હોવાનું કહેવાય છે. જોકે, પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હત્યાનું વાસ્તવિક કારણ શું હતું અને આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ તપાસમાં લાગી, આરોપીની શોધખોળ ચાલુ
બંને મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી બંનેના મૃત્યુનું ચોક્કસ કારણ તેમજ ઘટનાને લગતા અનેક મહત્વપૂર્ણ સવાલોના જવાબ મળવાની આશા છે. પરિવારજનોએ ફરાર પૂજારી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે આરોપીના એન્કાઉન્ટરની માગ પણ કરી છે.
હાલ પોલીસ ફરાર પૂજારીની શોધખોળ કરી રહી છે. બંને મિત્રોની હત્યા કેવી રીતે કરવામાં આવી અને મૃતદેહોને મંદિર પરિસરમાં છુપાવવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે કેસ સંલગ્ન તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાનું સંપૂર્ણ કારણ અને આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકશે.