પરમાણુ યુગમાં સૌથી ડરામણો સવાલ એ નથી કે કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ હથિયારો છે, પરંતુ સવાલ એ છે કે જો ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ થયો તો સૌથી પહેલાં તેનો ઉપયોગ કોણ કરી શકે?
પરમાણુ બોમ્બનો ઉપયોગ અત્યાર સુધી માત્ર એક જ વખત થયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આજથી લગભગ 81 વર્ષ પહેલાં અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.ત્યારથી અનેક દેશોએ પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા મેળવી છે અને આજે આ હથિયારો પહેલાં કરતાં પણ વધુ વિનાશક બની ચૂક્યા છે.
ચીનમાં જન્મેલા કેનેડિયન શિક્ષણવિદ અને ભૂ-રાજકીય બાબતોના જાણકાર જિયાંગ શ્યુકિનને જ્યારે પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં પરમાણુ હથિયારોનો સૌથી પહેલાં ઉપયોગ કરનાર દેશ કયો હોઈ શકે, ત્યારે તેમણે એક ચોંકાવનારી સંભાવના વ્યક્ત કરી.
જિયાંગ શ્યુકિન તાજેતરમાં યુટ્યુબર રાજ શમાણીના પોડકાસ્ટમાં સામેલ થયા હતા. આ વાતચીતનો વીડિયો 11 ઓગસ્ટે અપલોડ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં કોઈ મોટા સંઘર્ષ દરમિયાન પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતા અંગે તેમને સવાલ કરવામાં આવ્યો હતો.
ત્યારે જિયાંગે કહ્યું કે જો કોઈ દેશ તરફથી સૌથી પહેલાં પરમાણુ હથિયારના ઉપયોગની આશંકા હોય તો તે પાકિસ્તાન હોઈ શકે છે. જોકે, જિયાંગ કોઈ તાત્કાલિક પરમાણુ યુદ્ધની આગાહી કરી રહ્યા નહોતા. તેમણે તો તેનાથી વિપરીત વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “હું વ્યક્તિગત રીતે માનતો નથી કે આપણા જીવનકાળમાં ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે, કારણ કે દુનિયાભરમાં પરમાણુ હથિયારોના ઉપયોગ સામે એક પ્રકારની મનાઈ છે.”
‘ભારત કે પાકિસ્તાનમાંથી કોઈ એક… કદાચ પાકિસ્તાન’
જિયાંગે પાકિસ્તાન અંગે પોતાની વાત સમજાવતા કહ્યું કે જો તેમને અંદાજ લગાવવો પડે કે સૌથી પહેલાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કયો દેશ કરી શકે છે, તો તેમની નજર ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ એક દેશ પર જશે.
તેમણે કહ્યું, “જો મારે અંદાજ લગાવવો હોય કે કયો દેશ સૌથી પહેલાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે, તો તે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઈ એક હશે. કદાચ પાકિસ્તાન.”
જિયાંગના મતે તેની પાછળનું કારણ પાકિસ્તાનની પરમાણુ યુદ્ધ કરવાની ઈચ્છા નહીં, પરંતુ તેની કેટલીક આંતરિક નબળાઈઓ હોઈ શકે છે.
લગભગ બે કલાકના પોડકાસ્ટમાં તેમણે પાકિસ્તાનને નબળું, અવ્યવસ્થિત અને ભ્રષ્ટ દેશ ગણાવતા એવી આશંકા વ્યક્ત કરી કે કોઈ અત્યંત કટોકટીની સ્થિતિમાં પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવા માટે જરૂરી નિયંત્રણ વ્યવસ્થા પૂરતી અસરકારક ન હોય.
જોકે, નોંધનીય છે કે માર્ચમાં અમેરિકન પત્રકાર મેહદી હસન સાથેની વાતચીતમાં જિયાંગે પોતે સ્વીકાર્યું હતું કે તેઓ વાસ્તવમાં પ્રોફેસર નથી. લોકો તેમને પ્રોફેસર કહેવા લાગ્યા હતા.
ભારત પરમાણુ હથિયારોનો ઉપયોગ કેમ નહીં કરે?
જિયાંગે પાકિસ્તાનને “નબળું, ગરીબ, ભ્રષ્ટ અને વિભાજિત” ગણાવ્યું. તેમનું કહેવું હતું કે જો ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તો સૌથી વધુ સંભાવના ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં હોઈ શકે છે.
આ એક ચિંતાજનક આકલન છે, પરંતુ દક્ષિણ એશિયાની પરમાણુ રાજનીતિની એક મહત્ત્વની હકીકત તરફ પણ ધ્યાન દોરે છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષોમાં અનેક વખત પરમાણુ હથિયારોનો મુદ્દો સામે આવ્યો છે.
2000ના દાયકાની શરૂઆતમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનના અસ્તિત્વ સામે ગંભીર ખતરો ઊભો થશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ થઈ શકે છે.
2019માં પુલવામા આતંકી હુમલા અને ત્યારબાદ ભારતની બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. તે સમયે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાને પણ બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે તણાવ વધવાથી પરમાણુ યુદ્ધની સંભાવના અંગે ચેતવણી આપી હતી.
મે 2025માં પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન પણ પરમાણુ હથિયારોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો દેશના અસ્તિત્વ સામે સીધો ખતરો ઊભો થશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ થઈ શકે છે. જોકે બાદમાં તેમણે પરમાણુ વિકલ્પને ખૂબ જ દૂરની સંભાવના ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે સમયે આવો કોઈ ઈરાદો નહોતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ કહ્યું હતું કે પાકિસ્તાનનો પરમાણુ હથિયારો તૈનાત કરવાનો કોઈ ઈરાદો નથી અને તેની પરંપરાગત સૈન્ય ક્ષમતાઓ પૂરતી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ દેશની સુરક્ષા અને શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, આક્રમણ માટે નહીં.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાને ‘વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતા’ ગણાવી હતી. તેમના અનુસાર તેનો હેતુ વ્યૂહાત્મક સંતુલન જાળવવાનો અને બહારથી થતા હુમલાથી દેશની રક્ષા કરવાનો છે.
આસિમ મુનીરના નિવેદનથી ફરી ચર્ચા
તાજેતરના સમયમાં પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ તરફથી આવેલા કેટલાક નિવેદનોને કારણે પણ પરમાણુ હથિયારોનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે.
ઓગસ્ટ 2025માં એવા અહેવાલો સામે આવ્યા હતા કે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે અમેરિકાના ફ્લોરિડાના ટામ્પામાં એક ડિનર દરમિયાન કહ્યું હતું, “અમે પરમાણુ શક્તિ ધરાવતો દેશ છીએ. જો અમને લાગશે કે અમે બરબાદ થઈ રહ્યા છીએ, તો અમે અડધી દુનિયાને પણ પોતાની સાથે ડુબાડી દઈશું.”
એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે તેમણે ભારતના એવા ડેમને મિસાઇલથી નષ્ટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે પાકિસ્તાનના પાણીના પુરવઠા પર અસર પડે.
ભારતે આ પ્રકારના નિવેદનોને ‘પરમાણુ હથિયારોની ધમકી’ ગણાવ્યા હતા.
તો શું પાકિસ્તાન ખરેખર પરમાણુ હુમલો કરી શકે?
અહીં જિયાંગની થિયરીનો સૌથી મહત્ત્વનો ભાગ આવે છે. જિયાંગ એવું નથી કહી રહ્યા કે પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમની ચિંતા કંઈક અલગ છે. તેમના મતે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પરંપરાગત યુદ્ધ એટલી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય કે પાકિસ્તાનના નેતૃત્વને એવું લાગે કે દેશનું અસ્તિત્વ જ જોખમમાં છે, ત્યારે પરમાણુ હથિયારો માત્ર દુશ્મનને રોકવાના સાધન ન રહે, પરંતુ અંતિમ બચાવના વિકલ્પ તરીકે જોવામાં આવી શકે.
તેમણે ફરી કહ્યું હતું, “છતાં પણ મને વ્યક્તિગત રીતે લાગે છે કે આપણા જીવનકાળમાં પરમાણુ હથિયારોના ઉપયોગની સંભાવના લગભગ શૂન્ય ટકા છે.”
પરંતુ જો આ લગભગ શૂન્ય જેવી સંભાવના ક્યારેય વાસ્તવિકતામાં બદલાય, તો જિયાંગના મતે પહેલા પરમાણુ હુમલાનો ખતરો ભારત-પાકિસ્તાનની સરહદ પરથી ઊભો થઈ શકે છે.
છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનનો મૂળ સંદેશ એ જ રહ્યો છે કે તેના પરમાણુ હથિયારો દેશના અસ્તિત્વ અને સુરક્ષાની ખાતરી માટે છે.
એટલે જ જિયાંગની આગાહી ભલે માત્ર એક નિષ્ણાતનું આકલન હોય, પરંતુ તે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરમાણુ સંતુલન કેટલું સંવેદનશીલ છે, તેની ગંભીર યાદ અપાવે છે.