ભારતના રસ્તાઓ પર પડેલા ખાડા એ માત્ર સિમેન્ટ અને ડામરની અછત નથી, પણ આપણા સરકારી વહીવટની ક્યારેય ન અટકતી અમર પરંપરા છે.
દેશમાં સરકારો બદલાઈ જાય, નેતાઓ અને મહાનગરોના કમિશનરો પણ બદલાઈ જાય, પણ રસ્તા વચ્ચેનો પેલો જૂનો ઓળખીતો ખાડો તો પોતાના સ્થાન પર હિમાલયની જેમ અડીખમ ટકી રહે છે.આ ખાડા હવે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. રસ્તા પરથી પસાર થતી વખતે આપણી કમર અને ગાડીનું સસ્પેન્શન બંનેને એની સારી રીતે ખબર હોય છે. તંત્રને અરજીઓ લખી લખીને કાગળો ખૂટી ગયા અને લોકોની ધીરજ પણ જવાબ આપી ગઈ, ત્યારે આખરે આ કાયમી ખાડાઓ સામે લડવા માટે પણ હવે તો ટેકનોલોજીનો સહારો લેવાનો વારો આવ્યો છે.
રસ્તાઓ ખાડામાં ગયા હોવાની ફરિયાદ તો સૌ કરે છે, પરંતુ બેંગ્લોરના એન્જિનિયર ગૌરવ સેને એનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. તેણે એક ડેશકેમ, AI અને સરકારી કોન્ટ્રાક્ટ્સના ડેટાબેઝને ભેગા કરીને ઉકેલ રજૂ કરી દીધો. તેણે એનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રજૂ કર્યો. આપણે રોજ જે રસ્તાના ખાડાઓથી કંટાળી જઈએ છીએ, એ જ મુસીબતનો તેણે ટેકનોલોજી અને ડેટાની મદદથી ઉકેલ શોધી નાંખ્યો. લોકો તો આ આઈડિયા જોઈને દંગ જ રહી ગયા.
ગૌરવની આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ જાણવા જેવું છે. તેણે પોતાની કારમાં ડેશકેમ, GPS અને એક્સેલેરોમીટર ફિટ કરી દીધાં છે. એક્સેલેરોમીટર એટલે કે, ઇલેક્ટ્રોનિક સેન્સર. કાર ચાલે એટલે ડેટા ભેગો થવા લાગે. એના ફુટેજને AI વિઝન મોડેલની મદદથી પ્રોસેસ કરવામાં આવે છે, એ રીતે નાના-મોટા ખાડા ઓળખી કાઢવામાં આવે છે. તેણે Codexનો ઉપયોગ કરીને એક મસ્ત એપ બનાવી, જે આ બધો ડેટા OpenAIને મોકલે છે. દૂરથી જે ખાડા સ્પીડ બ્રેકર જેવા લાગે, એને પણ આ સિસ્ટમ સહેલાઈથી શોધી નાંખે છે. પણ ખાડો શોધવો તો માત્ર પહેલું સ્ટેપ હતું. ખરી રમત તો એ જાણવામાં હતી કે આ ખાડો પૂરવાની જવાબદારી કોની છે.
બસ પછી તો ગૌરવે પોતાની એપમાં થોડોક ફેરફાર કર્યો, રસ્તાઓ માટેના 2,900 સરકારી કોન્ટ્રાક્ટનો ડેટા એમાં ઉમેરી દીધો. હવે રસ્તાનો કોઈપણ ભાગ હોય, એપ તરત જ સ્કેન કરીને બતાવી દે કે આ રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ કયા કોન્ટ્રાક્ટર પાસે હતો અને એ રસ્તો રિપેર કરવાની જવાબદારી કોની થાય છે. ખાસ કરીને રસ્તો જ્યારે વોરંટીમાં હોય ત્યારે કોન્ટ્રાક્ટરે જ એનું સમારકામ કરવું પડે. એટલે કે, સરકારને રિપેરિંગનો એક પણ રૂપિયો ખર્ચો જ ના થાય. આ એપ માત્ર 4 સેકન્ડમાં આખો રિપોર્ટ તૈયાર કરી દે છે. જેમાં ખાડાનો ફોટો, પરફેક્ટ લોકેશન, ટેન્ડર નંબર અને જવાબદાર અધિકારીનું નામ પણ આવી જાય છે.
વિચારો તો ખરા, જે કામ કરવા માટે સરકારી અધિકારીઓ મહિનાઓ સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલે ફેરવ્યા કરે છે, તે કામ આ ભાઈની સિસ્ટમે માત્ર 4 સેકન્ડમાં કરી બતાવ્યું. ગૌરવ સેને જ્યારે પોતાના ઓફિસ જવાના રસ્તા પર આ સિસ્ટમ ટેસ્ટ કરી ત્યારે એક જ રાઇડમાં 12 ખાડા પકડાઈ ગયા. સૌથી રસપ્રદ વાત તો એ હતી કે આમાંથી ઘણા રસ્તાઓ હજુ વોરંટી પીરિયડમાં હતા, એટલે કે કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર પોતાના ખર્ચે જ તેને સરખા કરવા પડે. ગૌરવ સેને જ્યારે આનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને X પર મૂક્યો ત્યારે આખા દેશમાં તે વાયરલ થઈ ગયો. લોકો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછી રહ્યા છે કે જે કામ એકલો એન્જિનિયર પોતાની કારમાં બેસીને ચપટી વગાડતાં કરી શકે છે, એ કામ માટે આટલા બધા ઓફિસરો અને કરોડો રૂપિયાનું બજેટ કેમ ઓછું પડે છે?
આપણા દેશના મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસે દરેક ખાડા માટે 100 બહાનાં તૈયાર હોય છે. ક્યારેક ચોમાસું નડી જાય છે, તો ક્યારેક કહેવામાં આવે છે કે, ગ્રાન્ટ નથી આવી. કદાચ મૂળ કારણ રૂપિયા કે સાધનોની અછત કે અભાવ નથી. મૂળ કારણ નિયતમાં રહેલી ખોટ છે. જેનો ઉકેલ કદાચ કોઈ ટેક્નોલોજી પાસે ના હોય શકે.
