વડોદરાથી સંસદ સુધી અને હવે રાષ્ટ્રીય જવાબદારી, હેમાંગ જોશીને BJP યુવા મોરચાની કમાન કેમ સોંપાઈ?
Hemang Joshi: BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની નવી ટીમમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 35 વર્ષની ઉંમરના હેમાંગ જોશી 33 વર્ષની ઉંમરે વડોદરાથી જીતીને સાંસદ બન્યા હતા. તેમણે બે વર્ષમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
આશરે એક વર્ષ પહેલાં તેમને ગુજરાત BJP યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય જનતા યુવા મોરચા માટે કુલ ત્રણ નામ ચર્ચામાં હતાં. તેમાં શક્તિ સિંહ, હરિયાણાના મંત્રી ગૌરવ ગૌતમ અને ડૉ. હેમાંગ જોશીનો સમાવેશ થતો હતો. અંતે BJPના કેન્દ્રીય નેતૃત્વે હેમાંગ જોશીને યુવા મોરચાની કમાન સોંપી. 31 જાન્યુઆરી, 1991ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા હેમાંગ જોશી BJPના યુવા સાંસદોમાં સામેલ છે. તેમણે વડોદરાની MS યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
46 વર્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, 35 વર્ષના યુવા મોરચા ચીફ
NEET પેપર લીકના મુદ્દે નવી દિલ્હી સહિત સમગ્ર દેશમાં થયેલા પ્રથમ Gen Z પ્રોટેસ્ટ બાદ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન હાલમાં 46 વર્ષના છે, જ્યારે ડૉ. હેમાંગ જોશી 35 વર્ષના છે.
હેમાંગ જોશીની સફર
એપ્રિલ, 2024: BJPએ વડોદરાથી લોકસભા કૅન્ડિડેટ બનાવ્યા.
મે, 2025: ઓપરેશન સિંદૂરના ડેલિગેશનમાં ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ.
નવેમ્બર, 2025: BJPએ ગુજરાતમાં SIRના પ્રભારી તરીકે નિમણૂક કરી.
ડિસેમ્બર, 2025: BJPએ ગુજરાત BJP યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા.
17 ઓગસ્ટ, 2026: BJPએ હેમાંગ જોશીને BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા.
કેમ હેમાંગ જોશીના નામ પર મહોર લાગી?
સાંસદ બન્યા બાદ હેમાંગ જોશીએ પોતાના વ્યક્તિત્વમાં સતત સુધારો કર્યો છે. તેઓ માત્ર ફિટ જ નથી થયા, પરંતુ BJPએ ‘ઓપરેશન સિંદૂર’ સહિત જ્યાં પણ તેમને મોકલ્યા, ત્યાં તેઓ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા.
BJPએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને ગુજરાતમાં યુવા મોરચાની કમાન સોંપી હતી. આ દરમિયાન હેમાંગ જોશીએ નવા પ્રયોગો કર્યા. આનાથી સીધું ગૃહમંત્રી અમિત શાહ અને બી.એલ. સંતોષનું ધ્યાન ખેંચાયું. તેમાં એક મોટી ડિજિટલ મીટિંગનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય નેતૃત્વને એવા ચહેરાની શોધ હતી જે શિક્ષિત અને વિવાદમુક્ત હોય. હેમાંગ જોશી યુવાન પણ હતા અને અત્યાર સુધી કોઈ વિવાદમાં પડ્યા નથી. સૌથી મોટું પરિબળ એ રહ્યું કે તેમણે પોતાને લો પ્રોફાઇલ રાખ્યા.
હેમાંગ જોશીની મજબૂતી એ છે કે તેમનો સ્વભાવ ખૂબ સૌમ્ય છે. આ જ કારણ છે કે પાર્ટીએ તેમને રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી જવાબદારી સોંપી છે. હેમાંગ જોશી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલવામાં સક્ષમ છે.
હેમાંગ જોશી ટેકસેવી પણ છે. તેમણે વડોદરામાં પોતાની સાંસદ કચેરીમાં ડિજિટલ MP પહેલ પણ શરૂ કરી છે. તેની ખૂબ નોંધ લેવામાં આવી હતી.
કોણ છે હેમાંગ જોશી?
હેમાંગ જોશી મૂળ પોરબંદરના રહેવાસી છે. હેમાંગ જોશીએ વડોદરામાં 2008માં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા વડોદરા આવ્યા બાદ હેમાંગ જોશી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી બન્યા. તેઓ 2008થી 2021 સુધી વડોદરાની MS યુનિવર્સિટીમાં જ રહ્યા. જાન્યુઆરી 2022માં શહેર પ્રમુખ ડૉ. વિજય શાહના કાર્યકાળ દરમિયાન તેઓ VMCની સ્કૂલ કમિટીના ઉપાધ્યક્ષ બન્યા.
રાષ્ટ્રીય રાજકારણમાં હેમાંગ જોશી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે સંસદમાં BJPએ ઓડિશાના સાંસદ પી.સી. સારંગીને રાહુલ ગાંધી દ્વારા ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હેમાંગ જોશી, વાંસુરી સ્વરાજ અને અનુરાગ ઠાકુર સાથે પોલીસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરનારાઓમાં સામેલ હતા. હવે હેમાંગ જોશીના ખભા પર યુવાનો તેમજ Gen Z વચ્ચે BJPની પકડ મજબૂત કરવાની જવાબદારી રહેશે.
