*ગાંધીનગર જિલ્લાને ટીબી મુક્ત બનાવવા કલેક્ટરશ્રીની હાકલ: ‘નિ-ક્ષય મિત્ર’ બનીને દર્દીઓને દત્તક લઈએ*
*તમારો એક નાનો પ્રયાસ, કોઈનું આખું જીવન બચાવી શકે છે- કલેકટરશ્રી રવિન્દ્ર ખતાલે*
ક્ષય (ટીબી) રોગ સામેની લડાઈમાં ગાંધીનગર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે સમાજના દરેક ક્ષેત્રના લોકોની ભાગીદારી અત્યંત જરૂરી છે. ટીબીના દર્દીઓને ઝડપથી સાજા થવા માટે દવાની સાથોસાથ પૌષ્ટિક આહારની પણ ખૂબ મોટી જરૂરિયાત હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી, ગાંધીનગર રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળોને આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લેવા અને ‘નિ-ક્ષય મિત્ર’ બનવા માટે ખાસ નમ્ર અપીલ કરવામાં આવી છે. સાથે સાથે તેઓ પોતે પણ આ સત્કાર્યમાં ભાગીદાર થવાની તત્પરતા દાખવી છે.
*’નિ-ક્ષય મિત્ર’ યોજના શું છે?*
‘નિ-ક્ષય મિત્ર’ એ એક એવી માનવતાવાદી પહેલ છે જેમાં ગાંધીનગર જિલ્લાનો કોઈ પણ નાગરિક, સંસ્થા કે કંપની ટીબીના દર્દીઓને દત્તક લઈ, તેમની સારવાર દરમિયાન જરૂરી પૌષ્ટિક આહારની કીટ પૂરી પાડવાની જવાબદારી સ્વીકારે છે. દાતા અનુકૂળતા મુજબ ૧ કે તેથી વધુ ગમે તેટલા દર્દીઓને દત્તક લઈ શકો છો.
*ગાંધીનગર જિલ્લામાં નિ-ક્ષય મિત્ર કેવી રીતે બનવું?*
નિ-ક્ષય મિત્ર બનીને સેવા કાર્યમાં જોડાવાની પ્રક્રિયા અત્યંત સરળ છે.
કોઈપણ સંસ્થા કે નાગરિક ‘નિ-ક્ષય પોર્ટલ’ અથવા ‘ટીબી મુક્ત ભારત’ એપ પર જઈને ગાંધીનગર જિલ્લા માટે જાતે નોંધણી કરાવી શકે છે.આ સિવાય આપના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, આશા વર્કર, આરોગ્ય કર્મચારી અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, ગાંધીનગરનો રૂબરૂ સંપર્ક કરીને પણ નામ નોંધાવી શકો છો.
*સહાય આપવાના વિકલ્પો*
નિ-ક્ષય મિત્ર બનીને આપ દર્દી માટે જરૂરી પૌષ્ટિક આહાર ખરીદીને આપી શકાય, પોષણ કીટ ખરીદીને દર્દીને રૂબરૂ મળીને તેનું વિતરણ કરી સામાજિક સપોર્ટ પૂરો પાડી શકાય અથવા ‘જિલ્લા ટીબી મુક્ત ભારત કોષ’ (TBMBK) માં સીધું દાન આપીને પણ આ પુણ્ય કાર્યમાં સહભાગી બની શકાય છે.
*ગાંધીનગર જિલ્લાના નાગરિકોને અપીલ*
આપણો ગાંધીનગર જિલ્લો શ્રેષ્ઠતા અને વહીવટી સજ્જતા માટે જાણીતો છે. જો આપણે સહુ સાથે મળીને સંકલ્પ કરીએ તો ગાંધીનગરને ખૂબ જ ઝડપથી ટીબી મુક્ત બનાવી શકીએ છીએ. જિલ્લામાં અત્યારે પણ ઘણા દર્દીઓ આર્થિક અને સામાજિક હૂંફની રાહ જોઈ રહ્યા છે.
આવો, કલેક્ટરશ્રી, ગાંધીનગરની આ પાવન હાકલને પ્રતિસાદ આપીએ. ‘નિ-ક્ષય મિત્ર’ બનીને ગાંધીનગર જિલ્લાના ટીબીના દર્દીઓને દત્તક લઈએ અને આપણા જિલ્લાને દેશમાં એક આદર્શ અને ‘ટીબી મુક્ત ગાંધીનગર’ બનાવવામાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ.