રોડ પહોળો કરવા મકાન તોડાય તો ભાડુઆતોને વૈકલ્પિક ઘર આપવાનો હુકમ સિવિલ કોર્ટ ન કરી શકે: ગુજરાત હાઇકોર્ટ

Spread the love

અમદાવાદના અસારવાની જરીવાલા ચાલના 60 વર્ષથી રહેતા ભાડુઆતોનો મામલો

1990ના દાયકામાં ટીપી સ્કીમ માટે એએમસીએ મકાન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી

1997માં ભાડૂતોએ મકાન ખાલી કરવા સામે સિવિલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

2002માં સિટી સિવિલ કોર્ટે વૈકલ્પિક રહેઠાણ આપવા એએમસીને આદેશ કર્યો હતો

2004માં એએમસીએ સિવિલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યોગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ રોડ પહોળો કરવા માટે મકાન તોડવાનું હોય ત્યારે તેના ભાડુઆતોને વૈકલ્પિક રહેઠાણ આપવાનો હુકમ સિવિલ કોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સરકારી કે વૈધાનિક સંસ્થાને કરી શકે નહીં. માત્ર માનવતાના આધારે અથવા લાંબા સમયથી કોઈ વ્યક્તિ ત્યાં રહેતી હોવાના કારણે સ્થળ ખાલી કરવાથી મુશ્કેલી પડશે તે કારણસર આવો હુકમ આપી શકાય નહીં. વૈકલ્પિક રહેઠાણનો હક ત્યારે જ ઊભો થાય જ્યારે અરજદારનો કાયદેસર હક હોય અને તેની સામે સત્તાવાળાની કાયદેસર જવાબદારી હોય.

 

આ કેસ આસારવાની જરીવાલા ચાલના ભાડુઆતો સાથે સંબંધિત છે. આ ભાડુઆતો 60 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા 1990ના દાયકામાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલ માટે મકાન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો.

 

ભાડુઆતોએ 1997માં સિવિલ કોર્ટમાં બોમ્બે ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ રૂલ્સના નિયમ 21(3) અને 21(4) હેઠળ જરૂરી નોટિસની જોગવાઈઓનું પાલન થયું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

2002માં સિટી સિવિલ કોર્ટે એએમસીને ભાડુઆતોને જમીનના સમાન હિસ્સા જેટલું યોગ્ય વૈકલ્પિક રહેઠાણ આપવાનો હુકમ કર્યો હતો. જ્યાં સુધી વૈકલ્પિક રહેઠાણ આપવામાં ન આવે ત્યાં સુધી ભાડુઆતોનો કબજો જાળવી રાખવાનો પણ આદેશ આપ્યો હતો.

 

એએમસીએ 2004માં આ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોર્પોરેશને સિવિલ કોર્ટના અધિકારક્ષેત્ર સામે સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે સિવિલ કોર્ટનો હુકમ અગાઉના હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ છે. અગાઉ હાઇકોર્ટે ભાડુઆતોને 31 ઓગસ્ટ, 2003 સુધીમાં પોતાના મકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

 

મામલાની સુનાવણી બાદ જસ્ટિસ જે. સી. દોશીએ સિવિલ કોર્ટનો હુકમ રદ કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે નિયમ 21(3) અને 21(4) પર સિવિલ કોર્ટનો આધાર કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી અને તે જ કેસની અગાઉની કાર્યવાહીથી પણ વિરુદ્ધ છે.

 

વૈકલ્પિક રહેઠાણ આપવાના સિવિલ કોર્ટના હુકમ અંગે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય નિયમ તરીકે સિવિલ કોર્ટ કોઈ પ્રતિવાદી, જેમાં સરકાર, વૈધાનિક સત્તા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે, તેને માત્ર સમાનતા અથવા માનવતાના આધારે વૈકલ્પિક રહેઠાણ આપવાનો આદેશ કરી શકતી નથી.

 

હાઇકોર્ટે જણાવ્યું હતું કે આવો હુકમ ત્યારે જ આપી શકાય જ્યારે અરજદાર પાસે કાયદેસર હક હોય અને તેની સામે પ્રતિવાદીની કાયદેસર જવાબદારી હોય. આ હક કાયદા, કરાર, નીતિ અથવા અમલમાં મૂકી શકાય તેવી ખાતરીમાંથી ઊભો થયેલો હોવો જરૂરી છે.

 

જસ્ટિસ દોશીએ અગાઉના હાઇકોર્ટના આદેશની અવગણના કરીને સિવિલ કોર્ટે હુકમ આપ્યો હોવા અંગે પણ આકરી ટિપ્પણી કરી હતી. તેમણે આ કાર્યવાહીને ન્યાયિક રીતે અયોગ્ય અને શિષ્ટાચારનો ભંગ ગણાવ્યો હતો.

 

કોર્ટના આદેશમાં નોંધાયું હતું કે સમગ્ર કાર્યવાહી જાણે અવમાનનાની કાર્યવાહીથી ઓછી નથી. આ કાર્યવાહી અને તેને હાથ ધરવાની રીત હાઇકોર્ટે અપીલમાં આપેલા અગાઉના આદેશની વિરુદ્ધ હતી. તેથી સિટી સિવિલ કોર્ટ અને અરજદાર બંનેના પ્રયાસ તથા અભિગમની કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *