આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. જોષપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે સંગઠનાત્મક ગતિવિધિઓ, ધાર્મિક જાગૃતિ, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ દેશના શિક્ષણ ક્ષેત્રે તાકીદે કરવા જેવા પાયાના સુધારાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દર શનિવારે રાત્રે ગામડાઓ અને શહેરી સોસાયટીઓમાં લોકોને એકત્રિત કરી સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. હાલ હજારો સ્થળોએ આ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને સમગ્ર દેશમાં કુલ 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક છે. આ અંતર્ગત જ તેઓ જુનાગઢ આવ્યા હતા.
દેશના વર્તમાન શૈક્ષણિક માળખા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ પરીક્ષાના પેપર ફૂટવા ન જોઈએ અને ભરતી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. શાળાઓમાં પૂરતા શિક્ષકોની સાથે લાઈટ, પંખા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ હોવી અનિવાર્ય છે. પાયાની સુવિધાઓના અભાવે આજે નાના બાળકો અને યુવાનોએ પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવું પડે છે, જે દેશ માટે શરમજનક છે. શિક્ષણનું સ્તર સુધરશે તો જ પરિવાર અને દેશનો વાસ્તવિક વિકાસ થશે.
શિક્ષણ સુધારણાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવાને બદલે દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને રોજગાર તરીકે જોવો જોઈએ તેવો સંદેશ આપતાં તેમણે ઉમેર્યું કે, શિક્ષણ અને રોજગારી માટે સક્રિય રહેતી યુવા પેઢીની સાથે વડીલોના ઉત્તમ સ્વાસ્થ્ય અને આવાસની ચિંતા કરવી પણ એટલી જ જરૂૂરી છે. જ્યારે નાનાં બાળકો માટે ઉત્કૃષ્ટ શૈક્ષણિક માળખું ઊભું કરવું પડશે. દેશના સર્વાંગી ઉત્થાન માટે આ ત્રણેય પેઢીઓની જરૂૂરિયાતોનું સંતુલન જાળવવું અનિવાર્ય છે.
