27 ઘા ઝીંકી 10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ જ કરી પ્રિન્સિપાલની હત્યા, કારણ જાણી ચોંકી જશો

Spread the love

તેલંગાણાના નલગોંડા જિલ્લામાં એક શાળાના પ્રિન્સિપાલની સનસનાટીભરી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે શાળાના જ 10મા ધોરણમાં ભણતા 16 વર્ષના બે વિદ્યાર્થીઓએ પૈસાની લૂંટ કરવાના ઇરાદે પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. આરોપીઓએ પ્રિન્સિપાલ પર ચાકુ વડે 27 વખત હુમલો કર્યો હતો.હત્યા કેસનો ભેદ ઉકેલવામાં એક નાનકડા શબ્દે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હુમલા પહેલાં પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીના ફોન પર થયેલી છેલ્લી વાતચીતમાં તેમણે ‘બાબૂ’ શબ્દ કહ્યો હતો. પ્રિન્સિપાલ રૂપા રેડ્ડી અવારનવાર પોતાના વિદ્યાર્થીઓને પ્રેમથી ‘બાબૂ’ કહીને બોલાવતા હતા. આ સુરાગ મળતાં જ પોલીસની તપાસનો ધમધમાટ શાળા તરફ કર્યો હતો.

 

5 વિશેષ ટીમો અને 80 લોકોની પૂછપરછ બાદ ખુલાસો

 

કેસ ઉકેલવા માટે પોલીસે 5 વિશેષ ટીમો બનાવી હતી. CCTV ફુટેજ, ફોરેન્સિક પુરાવા અને ટેકનિકલ ડેટાના આધારે 80થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આખરે પોલીસે લૂંટ અને હત્યાનું કાવતરું રચનારા 16 વર્ષના બંને સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

 

લૂંટના ઇરાદે ઘડાયું હતું ખૌફનાક કાવતરું

 

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને વિદ્યાર્થીઓએ લૂંટ કરવા માટે પહેલાંથી જ ચાકુ, મોજાં અને માસ્ક ખરીદ્યા હતા. તેઓ લૂંટ કરવાના ઇરાદાથી પ્રિન્સિપાલના ઘરે પહોંચ્યા હતા. પ્રિન્સિપાલે રોકવાનો પ્રયાસ કરતાં જ વિદ્યાર્થીઓએ તેમના પર ચાકુથી હિચકારો હુમલો કરી દીધો હતો અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.

 

રૂ. 500ની નોટો પરથી મળ્યા લોહીના ડાઘ

 

નલગોંડાના એસપી શરથ ચંદ્ર પવારના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપીઓ પાસેથી 1.54 લાખ રૂપિયા રોકડા, એક આઇફોન, ચાકુ, મોજાં, માસ્ક અને મોબાઇલ્સ જપ્ત કર્યા છે. આ ઉપરાંત લૂંટાયેલી રકમમાંથી 500 રૂપિયાની 3 નોટો પર લોહીના ડાઘ પણ મળી આવ્યા છે, જે ફોરેન્સિક પુરાવા તરીકે મહત્ત્વના સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *