રંગીલા રાજકોટની પ્રજા માટે ચાની ચુસ્કી હવે કડવી સાબિત થવા જઈ રહી છે. ખાંડ, ચાની ભૂકી અને કોલસા સહિતના કાચા માલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે શહેરના હોટલ અને ચા-પાનના વેપારીઓએ ચાના ભાવમાં સીધો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આગામી પહેલી તારીખથી રાજકોટની હોટલો અને કિટલીઓ પર ચા નવી અને મોંઘી કિંમતે મળશે, જેના કારણે મોર્નિંગ વોક કે સંધ્યાકાળે કિટલી પર જામતી ચાય પે ચર્ચા હવે સામાન્ય લોકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખશે.
રાજકોટ હોટલ એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ, દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા આ નિર્ણય લેવાની ફરજ પડી છે. શહેરમાં અંદાજે 2,500 જેટલી નાની-મોટી ચાની હોટલો અને કિટલીઓ આવેલી છે, જ્યાં દરરોજ આશરે 1,000 કિલો ચાની ભૂકી અને 2,000 કિલો ખાંડનો વપરાશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત અગાઉ કોલસા અને ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો, જેથી જૂના ભાવે ચાનું વેચાણ કરવું વેપારીઓ માટે અશક્ય બન્યું છે.
નવા ભાવ પત્રક મુજબ, હવેથી ₹20માં મળતી આખી ચા માટે ગ્રાહકોએ ₹30 ચૂકવવા પડશે, જ્યારે ₹10માં મળતી અડધી ચાનો ભાવ વધીને ₹15 થઈ જશે. આમ, આખી ચામાં સીધો ₹10 અને કટિંગ ચામાં ₹5નો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. હોટલ માલિકો અને એસોસિએશનના હોદ્દેદારો ટૂંક સમયમાં એક સત્તાવાર મીટિંગ યોજીને આ નવા ભાવ વધારા પર આખરી મહોર મારશે.
આ ભાવ વધારાના કારણે રાજકોટના સ્થાનિકો અને દૈનિક ચાના શોખીનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, મોંઘવારીના કારણે કમાણી અને ખર્ચનો મેળ બેસાડવો મુશ્કેલ બન્યો હોવાથી ભાવ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જોકે, દૈનિક ધોરણે કિટલી પર જઈ ચા પીતા શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે આ નિર્ણય બજેટ ખોરવનારો સાબિત થશે.
રાજકોટના ખાંડના વેપારીએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવ છેલ્લા 4-5 વર્ષથી સ્થિર હતા, મહિના પહેલા 45-46ના હોલસેલ અને 48-50ના રિટેલ ભાવ હતા, પરંતુ થોડા વરસાદ ખેંચાતા અને વૈશ્વિક બજારમાં પણ ભાવ ઊંચા હોવાથી બહારથી મંગાવવામાં કોઈ પડતર ન આવે અને આગળ જે તહેવારો આવે છે ત્યારે ખાંડની ડિમાન્ડ વધુ હોય છે. તેના કારણે થોડી વધારે તેજી જોવા મળી રહી છે. હોલસેલના મહિના પહેલા 45-46 ભાવ હતા તે વધીને 66-68 થઈ ગયા છે, જ્યારે 48-50ના રિટેલ ભાવ વધીને 70-72એ પહોંચી ગયા છે.
