નવી દિલ્હી તા, 24 દેશભરનાં બેંક કર્મચારીઓ અને અફસરોના સંગઠન `યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ (UFBU) એ દેશવ્યાપી હડતાળ પાડવાની જાહેરાત કરી છે. બેંકના 9 મોટા સંગઠનોએ ભેગા મળીને સરકાર સામે આ વિરોધ નોંધાવ્યો છે.
બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની છે. આ સિવાય સરકાર જે નવી બોનસ નીતિ (PLI સ્કીમ) લાવી છે, તેનો પણ કર્મચારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે.
હડતાળના નક્કી કરેલાં ટાઇમટેબલ મુજબ, સૌથી પહેલાં 11 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર)ના રોજ 1 દિવસની હડતાળ રહેશે. શુક્રવારે હડતાળ અને પછી શનિ-રવિની રજાઓ આવતી હોવાથી સળંગ 3 થી 4 દિવસ બેંકના કામકાજ બંધ રહેવાની શક્યતા છે.
તે પછી પણ જો વાત નહીં બને, તો 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસની હડતાળ પડશે. સપ્ટેમ્બરના અંતમાં બેંકની છમાસિક ક્લોઝિંગ હોવાથી આ દિવસોમાં હડતાળના લીધે લોકોને ભારે મુશ્કેલી પડી શકે છે.
બેંક કર્મચારીઓમાં નવી બોનસ નીતિને લઈને ખુબ નારાજગી છે. આ નવી નીતિ પ્રમાણે મોટા સાહેબો કે વરિષ્ઠ અધિકારીઓને ખૂબ મોટું બોનસ મળશે, જ્યારે નાના કર્મચારીઓ અને ક્લાર્કને ખુબ જ ઓછું બોનસ આપવાનું નક્કી કરાયું છે.
યુનિયનોનું કહેવું છે કે, મોટા અધિકારીઓ વર્ષનાં પગાર જેટલું બોનસ મળે અને નાના કર્મચારીઓને માત્ર 15 દિવસનું જ બોનસ મળે, તે તદ્દન અન્યાયી અને ભેદભાવભર્યું છે. આ વિવાદ હાલમાં લેબર કમિશનર અને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે.
બેન્ક યુનિયનોની માંગ છે કે આ નવી બોનસ નીતિ પર તરત જ રોક લગાવવામાં આવે અને કર્મચારીઓ સાથે વાતચીત કરીને નવો રસ્તો કાઢવામાં આવે. જો સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરે, તો યુનિયનોએ 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી જવાની કડક ચેતવણી પણ આપી છે.
