ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સુવિધાઓની ભારે અછત છે, અને 09 ફેબ્રુઆરી સુધીમાં 61,668 દર્દીઓ વેઈટિંગ લિસ્ટમાં છે, જે દેશમાં થતા કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા કરતા લગભગ પાંચ ગણા છે. એક સંસદીય સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે, ભારતમાં 2024માં 11,558 જીવંત-દાતા (લિવિંગ-ડોનર) અને 1,918 મૃતક-દાતા (ડીસીઝ્ડ-ડોનર) દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.સમિતિએ મોટા રાજ્યોમાં ઓછામાં ઓછી ત્રણ સરકારી મેડિકલ કોલેજો અને નાના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સપ્લાન્ટ સુવિધાઓનો વિસ્તાર કરવાની ભલામણ કરી છે. સમિતિએ નોંધ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ વધુ કેન્દ્રિત રહેલી છે.
