ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે શહેરભરની શાળા-કોલેજોમાં ‘મારું ઘર, મચ્છર મુક્ત ઘર’ નામક વિશેષ જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં શહેરની 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે જ શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં બાંધકામ સાઇટો પર કડક તપાસ તેમજ મોટા તળાવો અને કાસ જેવા દુર્ગમ જળસ્ત્રોતોમાં ડ્રોન ટેકનોલોજી મારફતે બાયોલાર્વીસાઇડ દવાનો છંટકાવ શરૂ કરી દેવાયો છે.
100 શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને પત્રક વિતરણ અને 75,000 પેમ્પ્લેટ્સનું વિતરણ
ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરો મોટેભાગે ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થતા હોવાથી વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં જાગૃતિ લાવે તે હેતુથી વિશેષ પ્રવૃત્તિ શરૂ કરાઈ છે. પાણીના માટલા નીચેની ટ્રે, પક્ષીના કુંડા, ફ્રિજની પાછળની ટ્રે, કુલર અને અગાસી પર જમા થયેલા પાણીના નિકાલ અંગેનું માહિતી પત્રક વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ આ કામગીરી પોતાના ઘરે પૂર્ણ કરી વાલીની સહી સાથે શાળામાં પરત જમા કરાવવાની રહેશે તેમજ અઠવાડિયામાં 1 વખત આ પ્રક્રિયા દોહરાવવાના શપથ પણ લીધા છે. વ્યાપક લોકજાગૃતિ માટે દૈનિક વર્તમાનપત્રો સાથે 75,000 પત્રિકાઓનું વિતરણ પણ હાથ ધરાયું છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પર ₹8500 નો દંડ, 1.12 લાખ ઘરોમાં સઘન તપાસ
આરોગ્ય વિભાગ દ્વારા બાંધકામ સાઇટો પર હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન કોબા સ્થિત ‘કેશવમ સ્કાયવ્યુ’ સાઇટ પર અગાઉ નોટિસ અપાઈ હોવા છતાં મચ્છરોના લાર્વા મળી આવતાં ₹8500 નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન્યૂ ગાંધીનગર વિસ્તારની અન્ય 12 કન્સ્ટ્રક્શન સાઇટોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન મનપાની ટીમોએ 1.12 લાખ ઘરોનો સર્વે કર્યો હતો, જેમાં 3778 ઘરોમાંથી મળી આવેલા 5400 જેટલા પાત્રોના બ્રીડિંગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 6500 પાત્રોમાં એબેટ કામગીરી અને 4866 ઘરોમાં ફોગિંગ પૂર્ણ કરાયું હતું.
ડોન ટેકનોલોજીથી કાંસ અને તળાવોમાં 12000 લીટર ડ્રોન ટેકનોલોજીથી કાંસ અને તળાવોમાં 12000 લીટર દવાનો છંટકાવ
શહેરમાં આવેલા સધર્ન ડ્રેન (કાંસ) અને મોટા જળાશયો જેવા સ્થળોએ જ્યાં સામાન્ય રીતે પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં મનપા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 12000 લીટર બાયોલાર્વીસાઇડ દવાનો છંટકાવ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ ચાલુ સપ્તાહથી છંટકાવનો બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહેલી આ કામગીરીથી મચ્છરોની ઉત્પત્તિ પર અસરકારક અંકુશ મેળવી શકાશે.