અંબાજી નજીકના માર્ગ પર ઓવરસ્પીડમાં જઈ રહેલા ત્રણ યુવાનો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. વાહનની પૂરઝડપના કારણે ચાલકે કાબૂ ગુમાવતા ત્રણેય યુવાનો રસ્તા પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો આઘાતજનક હતો કે ઈજાગ્રસ્ત યુવાનો લોહીલુહાણ હાલતમાં માર્ગ પર તરફડી રહ્યા હતા અને વાહનવ્યવહાર ક્ષણભર માટે અટકી ગયો હતો.આ અકસ્માત સર્જાયો તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા અમદાવાદના મેયર તેમજ ધારાસભ્ય અમિત શાહ સહિતના અન્ય જનપ્રતિનિધિઓએ ત્વરિત માનવતા દર્શાવી હતી. અકસ્માત જોઈને તેમણે તુરંત જ પોતાની ગાડીઓનો કાફલો રોકાવ્યો હતો અને સમય ગુમાવ્યા વિના ઈજાગ્રસ્ત યુવાનોની મદદ માટે દોડી ગયા હતા. નેતાઓએ દર્શાવેલી આ ત્વરિત સંવેદનશીલતાથી સ્થાનિકોમાં પણ સરાહના જોવા મળી હતી.
MLA અમિત શાહ રોડ પર બેઠા, ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા
ઘટનાસ્થળેથી સામે આવેલા દ્રશ્યોમાં ધારાસભ્ય અમિત શાહ પોતે રોડ પર ઈજાગ્રસ્ત યુવાનો પાસે બેસેલા જોવા મળ્યા હતા. તેમણે ઘાયલોને સાંત્વના આપી હિંમત બંધાવી હતી અને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ તેમજ વાહનની વ્યવસ્થા કરાવી ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનોને વધુ સારવાર માટે હોસ્પિટલે રવાના કર્યા હતા. નેતાઓની આ સમયસૂચકતા અને મદદની પ્રત્યક્ષદર્શીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.