દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવા અને ચોંકાવનારા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટ શહેર પોલીસની પીસીબી ટીમે બુટલેગરોના એક અત્યંત ચાલાક નેટવર્કનો પર્દાફાશ કરીને દિલ્હીથી મોકલવામાં આવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સૌંદર્ય પ્રસાધન એટલે કે બ્યુટી પ્રોડક્ટ્સના પેકિંગની આડમાં આચરવામાં આવતા આ ગેરકાયદેસર દારૂૂની હેરાફેરીના કારોબારનો પર્દાફાશ કરીને પોલીસે રૂૂ.2.65 લાખની કિંમતના 924 નંગ દારૂૂના ચપલા કબજે કર્યા છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેર પીસીબી ની ટીમના કીરતસિંહ ઝાલા અને વાલજીભાઈ જાડાને બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલી ‘શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી’માં પારસલ મારફતે વિદેશી દારૂૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીસીબીના પી.આઈ એમ.આર.ગોંડલીયાની સુચનાથી ટ્રાન્સપોર્ટ એજન્સી પર દરોડો પાડ્યો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા પાર્સલના બિલ અને કાગળો ઉપર ‘ફેસ પેક સ્કીન કેર પ્રીપરેશન જેલ’ લખેલું મળી આવ્યું હતું. બિલમાં દર્શાવેલી વિગતો સામે પોલીસને શંકા ઉપજતાં પાર્સલ બોક્સ ખોલીને ચેક કરવામાં આવ્યું હતું. બોક્સની અંદર 12 પતરાના સીલબંધ ડબ્બા ભરેલા હતા. આ ડબ્બાને હાથમાં લઇને તપાસતા અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાનો ભાસ થયો હતો. પોલીસે સ્થળ પર જ એક ડબ્બો તોડીને જોતા તેમાંથી વિદેશી દારૂૂના 3 ચપલા મળી આવ્યા હતા. આથી ફેસ પેકના નામે આવેલા તમામ પાર્સલ બોક્સને કબજે કરી પીસીબીની ઓફિસે લાવવામાં આવ્યા હતા.
તમામ પાર્સલની ગહન તપાસ કરતા તેમાંથી કુલ 924 નંગ દારૂૂના નાના ચપલા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે ખોટા બિલ બનાવી પાર્સલ મારફતે દારૂૂ ઘુસાડવા બદલ ગુનો નોંધી દિલ્હીના સપ્લાયર અને જામનગરના રીસીવરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, અનીલભાઇ સોનારા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂૂપાપરા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.