નર્મદા જિલ્લામાં જાઓ એટલે એવું લાગે કે ધરતીમાતાએ જાણે લીલી ચાદર ઓઢી છે. ચોમાસામાં અહીં લીલાછમ જંગલો અને વચ્ચે વહેતા નાના-નાના ઝરણાઓ નયનરમ્ય દ્રશ્યો રચે છે. ડુંગરો પરથી પથ્થરો વચ્ચેથી વહેતા ખડખડ ઝરણાઓ કાશ્મીરની યાદ અપાવે છે. નર્મદાના આ પ્રાકૃતિક સ્થળોની મુલાકાતે જયારે લોકો આવે છે ત્યારે ચારે બાજુ મીના રસ્તા જંગલો જંગલોમાં લીલાછમ જોઈને લોકો ખુશ થઈ જાય છે.
વિશાલ ખાડી કેમ્પસાઇટ: રાજપીપળામાં સરદાર સરોવરથી નજીક આવેલી એક પર્યાવરણીય કેમ્પ સ્થળ એટલે વિશાલ ખાડી. આ સ્થળ રાજપીપળાથી આશરે 20 કિમીના અંતરે આવેલું છે. કરજણ, ડેડીયાપાડા, અને ડાંગના જંગલના વિસ્તારથી ઘેરાયેલી આ જગ્યા પર ગુજરાત સરકારની એક ઇકો ટુરિઝમ સાઈટ આવેલી છે. અહીં વિકેન્ડ પર પરિવાર કે મિત્રો સાથે સમય પસાર કરવા આવી શકાય. નર્મદા નદી પર ચાંદોદ અને ગરુડેશ્વર ખાતે નહાવાના ઘાટ, ડભોઈનો કિલ્લો, પાણીના ધોધ, ઝઘડીયાના જૈન મંદિરો વગેરે અહીં જોવા લાયક સ્થળો છે. અહીં નજીકની કરજર નદીમાં બોટિંગ માટે પણ જઈ શકાય છે, કેમ કે નદીના પાણી છેક કેમ્પસાઇટ સુધી આવે છે. રાજપીપળાથી સવારે એસટી બસો ઉપલબ્ધ હોવાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જીપમાં કે ઓટોરીક્ષા દ્વારા પણ પહોંચી શકાય છે.
ઝરવાણી ધોધ: નર્મદા જિલ્લામાં ઘણા ધોધ આવેલા છે જેમાંથી એક ધોધ છે ઝરવાણી ધોધ. નર્મદાના જંગલો વચ્ચે આવેલા ઝરવાણી ધોધ સુધી પહોંચવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે સહેલાણીઓને સાહસ અને રોમાંચની લાગણી આપે છે. આ પ્રવાસીઓનું મનપસંદ પીકનીક સ્પોટ બની ગયું છે. અહીં ધોધ વધુ ઊંચાઈથી નથી પડતો પણ આ જગ્યા એટલી સુંદર છે કે આ કોઈ કુદરતી વોટરપાર્ક જેવો અહેસાસ કરાવે છે. આ જગ્યા શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિ.મી. દૂર આવેલી છે. ઝરવાણી ધોધથી ઉપર જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે, જ્યા વન વિભાગનું રેસ્ટ હાઉસ છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ અહીંની એક જોવા લાયક જગ્યા છે.
ગોરા બ્રિજ: નર્મદા જિલ્લામાં ફરવાની જગ્યાઓમાં અને આંખને લોભાવે એવી જગ્યાઓમાં ગોરા બ્રિજ પણ સામેલ છે. સરદાર સરોવર ડેમ પછી નીચાણવાળા વિસ્તારમાં સૌપ્રથમ ગોરા બ્રિજ જ આવે છે. અહીં ચારે તરફનું દ્રશ્ય કોઈને પણ અહીં રોકાઈને બે ઘડી વિતાવવા માટે મજબૂર કરી દે એવું સુંદર અને નયનરમ્ય છે. નર્મદા નદી પરનો આ બ્રિજ ગોરા ગામે લઇ જાય છે. ગોરા બ્રિજ પર લગાવવામાં આવેલી રેલિંગને દર ચોમાસા દરમિયાન કાઢી લેવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં બનાવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે ગુજરાતનું મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. અત્યાર સુધીમાં દેશ-વિદેશથી લાખો લોકો આ સ્થળની મુલાકાત લઇ ચુક્યા છે. 182 મીટરની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. લગભગ 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. આ જગ્યાને અને તેની આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ફ્લાવર વેલી, ટેન્ટ સીટી, કેક્ટ્સ પાર્ક, અને બીજી ઘણી જોવા લાયક જગ્યાઓ બનાવવામાં આવી છે. સાથે જ અહીં બટરફલાય પાર્ક અને ખલવાની ઇકો ટુરિઝમ સાઈટ, તથા રિવર રાફ્ટિંગ પણ શરુ કરવામાં આવ્યું છે.