પાટણમાં જંગલી શિયાળનો આતંક! 20થી વધુ લોકો અને 50થી વધુ પશુઓને બચકાં ભર્યા, ‘પુત્રને છોડાવવા મુક્કો માર્યો પણ પ્રાણીએ જડબું પકડી લીધું’

Spread the love

સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે અજ્ઞાત જંગલી પ્રાણી ઘૂસી આવતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. રાત્રિના સુમારે ઘરની બહાર નિંદ્રાધીન ગ્રામજનો પર આ હિંસક પ્રાણીએ અચાનક ત્રાટકીને મહિલાઓ, વૃદ્ધો સહિત 20થી વધુ લોકોને બચકાં ભરી લોહીલુહાણ કર્યા હતા. આ ઘટનામાં 40થી 50 જેટલા પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. હુમલાને પગલે ગામમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાંતલપુર CHC તેમજ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

અંધારાનો લાભ ઉઠાવી લોકો પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું

 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં ગઈકાલે મોડી રાત્રે બનવા પામેલી આ સનસનાટીભરી ઘટનાથી ચોતરફ ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. રાત્રિના 11થી 12 વાગ્યાના સુમારે ગામલોકો જ્યારે પોતાના ઘરની બહાર અને રસ્તા પર શાંતિથી ઊંઘી રહ્યા હતા, ત્યારે અચાનક એક અજાણ્યા વન્યપ્રાણીએ અંધારાનો લાભ ઉઠાવી લોકો પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

 

માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર બચકાં ભર્યાં

 

આ હિંસક પ્રાણીએ ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ, પુરુષો અને બાળકોને નિશાન બનાવી તેમના માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર બચકાં ભરી દીધા હતા. પ્રાણીના અચાનક આક્રમણથી વૌવા ગામમાં ચીસાચીસ, ભાગદોડ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.

લક્ષ્‍મણભાઈએ શિયાળને મુક્કો મારી દીકરાને માંડ છોડાવ્યો

 

સ્થાનિક પ્રત્યક્ષદર્શી ઈજાગ્રસ્ત લક્ષ્‍મણભાઈ આહીરે આપવીતી જણાવતાં કહ્યું હતું કે, શિયાળે સૌથી પહેલા એક ભાઈ પર હુમલો કર્યા બાદ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમના ઘર તરફ આવી તેમના પુત્રને પકડી લીધો હતો. પુત્રને ઉગારવા જતાં લક્ષ્‍મણભાઈએ શિયાળને મુક્કો મારી માંડ છોડાવ્યો હતો, પરંતુ ત્યાંથી ભાગીને પ્રાણીએ તેમના મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આ હડકાયું શિયાળ ઠાકોર વાસ, રવેચીના મેદાન અને આસપાસના વિસ્તારોમાં ઘૂસીને સવાર સુધી સતત લોકોને અને 50 જેટલા પાલતુ પશુઓને પણ નિશાન બનાવતું રહ્યું હતું.

 

શિયાળના હુમલામાં ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર

 

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. એકસાથે 20થી વધુ ઘાયલો પહોંચતાં હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગાંઓની ભારે ભીડ જામી હતી. ગલાલબેન ઠાકોર, રામાભાઈ ઠાકોર, ભચીબેન આહીર, ગીતાબેન બોરીચા સહિતના ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સઘન સારવાર અર્થે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

વન વિભાગે શિયાળને પકડવા પાંજરૂ ગોઠવ્યું

 

આ ભયાનક બનાવ અંગે જાણ થતાં જ સ્થાનિક વન વિભાગનો કાફલો તાત્કાલિક વૌવા ગામે દોડી આવ્યો હતો. RFO રાજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યા મુજબ, વન વિભાગની ટીમ હાલ ગામમાં પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાણી સીસીટીવીમાં પણ કેદ થયું હોવાનું અને સ્થાનિકો શિયાળ હોવાનો દાવો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ વન વિભાગ દ્વારા સ્થળ પરથી પગમાર્ક મેળવીને અને ટેકનિકલ તપાસ કરીને જ પ્રાણીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. હાલમાં વન વિભાગે પ્રાણીને વહેલી તકે પાંજરે પૂરવા માટે સઘન શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *