નેપાળમાં વિનાશક પૂર અને ભારે વરસાદે ભયાનક તબાહી સર્જી છે. અત્યાર સુધીમાં 788 લોકોના મોતની પુષ્ટિ થઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. બીજી તરફ અનેક લોકો હજુ પણ કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
ટનલમાં હજુ પણ લોકો જીવતા હોવાની આશા
પૂરને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે.ખાસ કરીને ત્રિશૂલી હાઈડ્રોપાવર પ્રોજેક્ટની કાદવથી ભરાયેલી ટનલમાં હજુ પણ લોકો જીવતા હોવાની આશા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, ટનલમાં કેટલાક લોકો ફસાયેલા હોય શકે છે.
બચાવ ટીમોએ ટનલના ઉપરના ભાગમાં અત્યાર સુધીમાં ચાર હોલ કર્યા છે. આ હોલ મારફતે અંદર પાઈપ પહોંચાડી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહી છે. સ્થિતિ જાણવા માટે હાઈ-ટેક કેમેરા પણ ટનલની અંદર મોકલવામાં આવ્યા છે. હવે કાટમાળ હટાવીને રેસ્ક્યૂ ટીમને સીધી ટનલમાં પ્રવેશ કરાવવાની તૈયારી ચાલી રહી છે.
રેસ્ક્યૂ ટીમ માટે પણ પડકાર
જોકે, સતત પડેલા વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધી જતાં ડ્રિલિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. બદલાતા હવામાન અને વધતા પાણીના સ્તરને કારણે રેસ્ક્યૂ ટીમ માટે પણ પડકારો વધી રહ્યા છે. આ દરમિયાન કાટમાળમાંથી મળી રહેલા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. મૃતદેહોની સ્થિતિ ખરાબ હોવાથી DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
100 લોકોના પરિવારજનોમાં આશા જીવંત
ભયાનક તબાહીની વચ્ચે કેટલાક ચમત્કારિક બચાવના કિસ્સા પણ સામે આવ્યા છે. ચાર વર્ષની એક બાળકી બે દિવસ બાદ જીવતી મળી આવી હોવાના અહેવાલ છે. કેટલાક પરિવારો પણ પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે સુરક્ષિત બચી ગયા છે. આવા કિસ્સાઓને કારણે ત્રિશૂલી હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા આશરે 100 લોકોના પરિવારજનોમાં પણ આશા જીવંત છે. રેસ્ક્યૂ ટીમો તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે દિવસ-રાત પ્રયાસ કરી રહી છે.
