ગજેન્દ્રએ 14 આઈફોન ચોર્યા! એક Iphone ઉદયપુર રિસોર્ટમાં ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપ્યો, બાકીના મોબાઈલ દૂબઈ પહોંચ્યાનો ઘટસ્ફોટ

Spread the love

શહેરના રામોલ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી રૂ.10.70 લાખની કિંમતના મોંઘાદાટ 14 iPhoneની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં મોબાઈલની દુકાન ધરાવતા એક વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ કેસમાં હાલ પુણેમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ગજેન્દ્રસિંહને તેના વતન રાજસ્થાનથી પોલીસે પકડી પાડ્યો છે, જ્યારે ચોરીના મોબાઈલ ખરીદનાર મોહસીનની પણ અટકાયત કરવામાં આવી છે.ત્યારે પોલીસ તપાસમાં આરોપી ગજેન્દ્રસિંહે ચોરી કરેલા iPhone મોહસીનને વેચી દીધા હોવાની અને ગજેન્દ્રસિંહે એક ફોન તેની ગર્લફ્રેન્ડને આપી ચોરીના ફોન વેચ્યા બાદ તેમાંથી મળેલા રૂપિયાથી ગર્લફ્રેન્ડ સાથે ઉદયપુર રિસોર્ટમાં રોકાયો હોવાની ચોંકાવનારી વાત સામે આવી રહી છે.

 

શું છે આખો કેસ?

 

મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના પુણેમાં મોબાઈલની દુકાન ધરાવતા સુરેશ ઠાકોરે ગત 15 ઓગસ્ટે અમદાવાદના આશ્રમ રોડ પર સલમાન એસ.એસ. ટ્રેડર્સના વેપારીને મોકલવા માટે 14 iPhoneનું પાર્સલ લક્ઝરી બસમાં આપ્યું હતું. પાર્સલ CTM ખાતે ટ્રાવેલ્સની ઓફિસેથી મેળવી લેવાનું હતું. જોકે, વેપારી પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે બોક્સ તો મળી આવ્યું, પરંતુ અંદરથી રૂ.10.70 લાખના 14 iPhone ગાયબ હતા. આથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બસના CCTV ફૂટેજ તપાસતાં એક શખ્સ મોબાઈલ કાઢતો નજરે પડ્યો હતો. તપાસમાં આરોપીએ ખોટા નામે ટિકિટ બુક કરાવી હોવાનું પણ સામે આવ્યું હતું.

 

પોલીસ તપાસમાં આરોપી ગજેન્દ્રસિંહ રાજપૂત મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના પાંચલવાડા ગામનો હોવાનું સામે આવ્યું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણ થઈ કે આરોપી રાજસ્થાનના સુમેરપુર નજીકના જંગલ વિસ્તારમાં આવેલા પોતાના સંબંધીના ઘરે સંતાઈને બેઠો છે. ઝોન-8 LCBની ટીમે ત્યાં પહોંચી ગજેન્દ્રસિંહને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી Samsung Fold-3, iPhone 17 Pro Max અને રોકડા રૂ.8,500 સહિત કુલ રૂ.2,28,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બીજી તરફ, ચોરીના મોબાઈલ ખરીદનાર મોહસીનની પણ પોલીસે ધરપકડ કરી છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, ગજેન્દ્રસિંહ ફાર્મસીમાં ગ્રેજ્યુએટ છે અને પુણેમાં મેડિકલ સ્ટોરમાં રૂ.25 હજારના પગારે નોકરી કરતો હતો. તે પુણેથી હિંમતનગરમાં રહેતા માતા-પિતાને મળવા લક્ઝરી બસમાં આવી રહ્યો હતો. રસ્તામાં મસાલો ખાધા બાદ થૂંકવા જતી વખતે તેણે વેપારીને ટ્રાવેલ્સના ડ્રાઈવરને કહેતા સાંભળ્યું કે ‘બોક્સમાં મોંઘાદાટ iPhone છે, સાચવીને લઈ જજો.’ આ વાત તેના ધ્યાનમાં રહી ગઈ અને રાત્રિના અંધારામાં તેણે બસમાંથી 14 iPhone ચોરી લીધા હોવાનો આરોપ છે.

 

ચોરી બાદ પોલીસથી બચવા તેણે મોબાઈલનું ઇન્ટરનેટ બંધ કરી ડોંગલથી ઇન્ટરનેટ ચલાવ્યું અને WhatsApp કોલથી વાતચીત કરતો હતો. ચોરીના મોબાઈલ વેચ્યા બાદ મળેલા પૈસામાંથી ગજેન્દ્રસિંહે ઉદયપુરના મોંઘાદાટ રિસોર્ટમાં પોતાની કથિત ગર્લફ્રેન્ડ સાથે રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, તેણે ચોરીના મોબાઈલ વેચીને મળેલી રકમમાંથી એક iPhone પોતાની કથિત ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપ્યો હોવાની પણ પોલીસ તપાસમાં માહિતી સામે આવી છે.

 

હાલની પોલીસ તપાસમાં આરોપી ગજેન્દ્રસિંહ સામે અગાઉ હિંમતનગરમાં POCSOનો ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જેને આધારે રામોલ પોલીસ અને LCB દ્વારા ચોરીના 14 iPhone ક્યાં ગયા, દુબઈ સુધી તેનો વ્યવહાર કેવી રીતે પહોંચ્યો અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, હાલ આરોપી ગજેન્દ્રએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો છે, ત્યારે આ કિસ્સો હાલ અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *