ગાંધીનગર સેક્ટર-11ના K-91 ફિટનેસ જીમમાં ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજના આધારે આરોપી પોલીસના સકંજામાં

Spread the love

ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત K-91 ફિટનેસ જીમમાં થયેલી અંદાજે રૂ.1.95 લાખની કિંમતના અત્યાધુનિક INBODY 260 મશીનની ચોરીના કેસનો LCBએ ભેદ ઉકેલી કાઢ્યો છે. જીમના સંચાલક દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ટેક્નોલોજી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે આરોપીઓએ ખૂબ જ ચાલાકીપૂર્વક ડુપ્લિકેટ ચાવી બનાવીને રાત્રિના સમયે જીમમાં પ્રવેશ કર્યો હતો અને ભારે કિંમતી તેમજ વજનદાર મશીનની ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે CCTV ફૂટેજનાં આધારે કડીઓ મેળવીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, ચોરી કર્યા બાદ આ હાઇ-ટેક મશીનને ઓનલાઇન પ્લેટફોર્મ OLX પર મૂકવામાં આવ્યું હતું. આરોપીઓએ હૈદરાબાદના એક ખરીદનારને આ મશીન રૂ.1.50 લાખમાં વેચી નાખ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ સોદાના નાણાં આરોપીઓએ સીધા કેશ લેવાને બદલે PhonePe ડિજિટલ વૉલેટ દ્વારા SBI બેંક ખાતામાં મેળવ્યા હતા. પોલીસે ટેક્નોલોજી અને સાયબર સેલની મદદથી આ ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને મશીનનો પતો મેળવવાની કાર્યવાહી તેજ કરી છે.

હાલ ગાંધીનગર LCBએ પકડાયેલા આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર ગુનામાં સંડોવાયેલી વિભૂતીબેન ઝાલા નામની એક મહિલા આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર LCBએ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *